Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રેલવે સામેની રણજી મૅચના પ્રથમ દિવસે સચિનની આક્રમક સદી

રેલવે સામેની રણજી મૅચના પ્રથમ દિવસે સચિનની આક્રમક સદી

03 November, 2012 07:56 AM IST |

રેલવે સામેની રણજી મૅચના પ્રથમ દિવસે સચિનની આક્રમક સદી

રેલવે સામેની રણજી મૅચના પ્રથમ દિવસે સચિનની આક્રમક સદી






ઇંગ્લૅન્ડ સામે ૧૫ નવેમ્બરે અમદાવાદમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાં મૅચ-પ્રૅક્ટિસ કરવાના હેતુથી ૪૫ મહિને ફરી રણજી મૅચમાં રમવા ઊતરેલા સચિન તેન્ડુલકરે (૧૩૭ રન, ૧૩૬ બૉલ, ૩ સિક્સર, ૨૧ ફોર) ગઈ કાલે રેલવેની ટીમ સામેના મુકાબલાના પ્રથમ દિવસે ઝમકદાર સદી ફટકારી હતી. ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેની આ ૭૯મી સેન્ચુરી હતી.


સચિન થોડા દિવસથી પેટની બીમારીનો શિકાર છે. જોકે હવે તેને સારું છે અને ગઈ કાલે જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે રમ્યો હતો. તે હવે ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ૮૧ સદી ફટકારનાર સુનીલ ગાવસકરથી માત્ર બે ડગલાં પાછળ છે.


ચાર દિવસની આ મૅચના પ્રારંભિક દિવસે મુંબઈએ નિર્ધારિત ૯૦ ઓવરમાં ૪ વિકેટે ૩૪૪ રન બનાવ્યા હતા. ૭ રનના પોતાના સ્કોર પર મુરલી કાર્તિકના હાથે જીવતદાન મેળવનાર અજિંક્ય રહાણે (૧૦૫ નૉટઆઉટ, ૨૦૭ બૉલ, ૧૩ ફોર)ની સાથે અભિષેક નાયર (૦) નૉટઆઉટ હતો. રોહિત શર્મા ૧૮ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો.

ગઈ કાલના સુપરસ્ટાર સચિનની હાજરીમાં રેલવેના છ બોલરોની ઍનૅલિસિસ બગડી હતી જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશના પેસબોલર કૃષ્ણકાન્ત ઉપાધ્યાય (૧૮-૧-૭૮-૦) તથા રાજકોટના પેસબોલર હાર્દિક રાઠોડ (૨૧-૧-૬૪-૦)નો સમાવેશ હતો. બીજા ત્રણ બોલરની બોલિંગમાં ૪૦થી વધુ રન બન્યા હતા. સચિનની આક્રમક સેન્ચુરી ગણ્યાગાંઠuા પ્રેક્ષકોએ માણી હતી. વાનખેડેના મોટા ભાગના સ્ટૅન્ડ ખાલી હતા.

સચિને સ્પિનરની ઓવરમાં ફટકાર્યા ૨૧ રન

સચિનની છેલ્લા બાવીસ મહિનામાં ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ પ્રથમ સદી હતી. તે છેલ્લા ૧૨ વર્ષમાં ૭ રણજી મૅચ રમ્યો છે જેમાં તેની ૬ સેન્ચુરી છે.

તે પાંચમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો. તેણે છઠ્ઠા બૉલમાં પ્રથમ રન બનાવ્યો હતો અને પછી ફટકાબાજી સતત ચાલુ રાખી હતી.

વનડાઉન રહાણે સાથે ચોથી વિકેટ માટે તેની ૨૦૦ રનની ભાગીદારી થઈ હતી.

સચિને રેલવેના બોલરોની ખબર લઈ નાખી હતી. લેફ્ટી સ્પિનર આશિષ યાદવની એક ઓવરમાં તેણે બે સિક્સર અને એક ફોર સાથે ૨૧ રન બનાવ્યા હતા.

ટી વખતે રહાણે ૭૫ રને અને સચિન ૪૦ રને હતો, પરંતુ પાછા રમવા આવ્યા બાદ પહેલાં સચિને સેન્ચુરી પૂરી કરી હતી.

સચિન માત્ર ૧૬ ફર્સ્ટ-ક્લાસ મૅચ રમેલા ૨૪ વર્ષના પેસબોલર અનુરીત સિંહના ઉછળતા બૉલમાં અપર-કટ મારવાના પ્રયાસમાં સેકન્ડ સ્લિપમાં પરાગ મડકાઇકરને સીધો કૅચ આપી બેઠો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2012 07:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK