સેમી ફાઇનલની ટીમમાંથી હફિઝે મારી બાદબાકી કરાવી : રઝાક

Published: 8th October, 2012 06:19 IST

ટુર્નામેન્ટ પછી પાકિસ્તાની ટીમનો ઝઘડો બહાર આવવાની પરંપરા જળવાઈ, ઢ ઑલરાઉન્ડરે કહ્યું કે ટીમ મૅનેજમેન્ટની મને લેવાની પાકી તૈયારી હતી, પરંતુ કૅપ્ટને મને ઇલેવનની બહાર રખાવ્યોલાહોર: પાકિસ્તાનની ટીમમાં સામાન્ય રીતે કોઈ મોટી સિરીઝ કે ટુર્નામેન્ટ પછી ટીમમાંના ઝઘડા સપાટી પર આવતા હોય છે એવું આ વખતે પણ બન્યું છે. T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં શ્રીલંકાએ આપેલો ૧૪૦ રનનો સાધારણ ટાર્ગેટ ન મેળવી શકનાર પાકિસ્તાની ટીમમાં કૅપ્ટન મોહમ્મદ હફિઝ અને પીઢ ઑલરાઉન્ડર અબ્દુલ રઝાક વચ્ચેનો ખટરાગ બહાર આવ્યો છે.

રઝાકે ગઈ કાલે વતન લાહોરમાં પાછા આવ્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘ટીમ મૅનેજમેન્ટ સેમી ફાઇનલની ઇલેવનમાં મને લેવા તૈયાર હતું, પરંતુ કૅપ્ટન હફિઝે મને ટીમની બહાર રાખ્યો હતો. હફિઝે મને ડ્રૉપ કરવાનું પગલું બધાની સમક્ષ કબૂલવું જોઈએ.’

ટીમ મૅનેજમેન્ટમાં કૅપ્ટન, કોચ અને સિનિયર પ્લેયરોનો સમાવેશ હોય છે.

હફિઝે શનિવારે પાકિસ્તાન પાછા આવ્યા બાદ રઝાક વિશે કહ્યું હતું કે ‘રઝાકને ડ્રૉપ કરવાનો નિર્ણય ટીમ મૅનેજમેન્ટે લીધો હતો. ટીમને ઑલરાઉન્ડરને બદલે વધુ એક રેગ્યુલર બોલરની જરૂર હતી એટલે મૅનેજમેન્ટે રઝાકને પડતો મૂકવાનું નક્કી કર્યું હતું.’

રઝાકે હફિઝના નિવેદનને ગઈ કાલે ખોટું ગણાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયા સામે બોલિંગ ન આપી

રઝાકને વર્લ્ડ કપમાં એક જ મૅચ રમવા મળી હતી. ઑસ્ટ્રેલિયા સામે પાકિસ્તાને જીતેલી એ મૅચમાં તેણે બાવીસ રન બનાવ્યા હતા, પરંતુ હફિઝે તેને એક પણ ઓવર નહોતી આપી. જોકે રઝાકના નિવેદન મુજબ શ્રીલંકા સામેની સેમીમાં હફિઝે તેને ટીમની બહાર રાખીને સોહેલ તનવીરને લીધો હતો.

રઝાકે ગાંગુલીનો ઉલ્લેખ કર્યો

રઝાકે પત્રકારોને ઊભરો ઠાલવતાં કહ્યું હતું કે ‘સેમીમાં હું અને શાહિદ આફ્રિદી બન્ને રમવાના છીએ એવી શ્રીલંકનોને અગાઉથી ખબર પડી ગઈ હતી એટલે તેઓ ખૂબ ચિંતામાં હતા. જોકે છેલ્લી ઘડીએ મને ડ્રૉપ કરવામાં આવતાં તેમને જરૂર રાહત થઈ હશે. સ્લો અને ટર્નિંગ વિકેટ પર હું લોઅર ઑર્ડરમાં ટીમને બહુ ઉપયોગી થયો હોત એવું સૌરવ ગાંગુલીએ મૅચ પછીની કમેન્ટ્સમાં કહ્યું હતું. મારી ટીમમાંથી બાદબાકી કરવાના પગલાથી ઘણાને આશ્ચર્ય થયું હશે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK