‘ઍમેઝૉન ઑફ અલીગઢ’ના નામથી જાણીતી હતી, જીતી હતી ૩૦૦થી વધુ રેસલિંગ મૅચ
હમીદા બાનુ
ગઈ કાલે ગૂગલે ભારતની પહેલી મહિલા રેસલર હમીદા બાનુનું ડૂડલ બનાવીને તેને સન્માનિત કરી હતી. ૧૯૪૦-’૫૦ના દાયકામાં રેસલિંગની પુરુષપ્રધાન રમતમાં ધાક બનાવીને ૩૦૦થી વધુ મૅચ જીતનાર હમીદા બાનુનો જન્મ ૧૯૨૮ની ૧૯ ઑક્ટોબરે લાહોરમાં થયો હતો. તેમનો પહેલવાન પરિવાર ૧૯૦૦ના દાયકામાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેતો હતો. ‘ઍમેઝૉન ઑફ અલીગઢ’ નામે જાણીતી હમીદા બાનુના આગમન પહેલાં શહેરોમાં ટ્રક અને ગાડીઓ પર તેનાં પોસ્ટર્સને કારણે ભારે ઉત્સાહનો માહોલ રહેતો હતો.
૧૯૫૪માં હમીદા બાનુએ પુરુષ રેસલર્સને ચૅલેન્જ આપી હતી, ‘જો તમે મને હરાવશો તો હું તમારી સાથે લગ્ન કરીશ!’ થોડા સમય પછી તેણે પંજાબના પટિયાલા અને કલકત્તાના બે રેસલર્સને હરાવ્યા. મે મહિનાની શરૂઆતના સમયમાં વડોદરા પહોંચેલી હમીદા બાનુએ બાબા પહેલવાનને ૧ મિનિટ અને ૩૪ સેકન્ડમાં હરાવીને તેને લગ્નની રેસમાંથી બહાર કર્યો હતો. ત્યાર બાદ તેણે પોતાના મેન્ટર સલામ પહેલવાન સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૦૬ની ૯ નવેમ્બરે અંતિમ શ્વાસ લેનાર હમીદા બાનુએ એક સમયે મુંબઈમાં રશિયાની ‘ફીમેલ બેઅર’ વેરા ચિસ્ટિલિન સામે ૧ મિનિટથી પણ ઓછા સમયમાં જીત મેળવી હતી.
ADVERTISEMENT
વજન, ઊંચાઈ અને ડાયટને કારણે ચર્ચામાં રહી હમીદા બાનુ
એવું કહેવાય છે કે હમીદા બાનુનું વજન ૧૦૮ કિલો હતું અને ઊંચાઈ પાંચ ફુટ ૩ ઇંચ હતી. તેની પ્રતિદિનની ડાયટમાં ૫.૬ લીટર દૂધ, ૧.૮ લીટર ફળોનો રસ, ૬ ઈંડાં, એક મરઘી, ૨.૮ લીટર સૂપ, લગભગ ૧ કિલો મટન અને બદામ, અડધો કિલો માખણ, બે મોટી રોટલી અને બિરયાનીની બે પ્લેટનો સમાવેશ થતો હતો.

