યુએસ ઓપનના લાસ્ટ ફોરમાં ટ્યુનિશિયાની જૅબિયર સામે રમશે : પુરુષોમાં રુડ અને ખાચાનોવ સેમીમાં ટકરાશે

કૅરોલિન ગાર્સિયા
ન્યુ યૉર્કની યુએસ ઓપનમાં ક્લાઇમૅક્સનો સમય નજીક આવી ગયો છે. મહિલા વર્ગમાં ફ્રાન્સની ૧૭મી ક્રમાંકિત કૅરોલિન ગાર્સિયાએ અમેરિકાની ૧૮ વર્ષની કૉકો ગૉફને ૬-૩, ૬-૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં તેનો મુકાબલો યુએસ ઓપનની સેમીમાં પહોંચનારી પહેલી જ આફ્રિકન ખેલાડી ટ્યુનિશિયાની ઑન્સ જૅબિયર સાથે થશે. જુલાઈની વિમ્બલ્ડનની રનર-અપ જૅબિયરે ક્વૉર્ટર ફાઇનલમાં આઇલા ટૉમલાનોવિચને ૬-૪, ૭-૪થી હરાવી હતી.
પરાજિત કીર્ગિયોસે હરીફ સાથે હાથ મિલાવ્યા પછી બે રૅકેટ તોડ્યાં
યુએસ ઓપનમાં પુરુષોના વર્ગમાં ૨૭મા ક્રમાંકિત રશિયાના કરેન ખાચાનોવે ઑસ્ટ્રેલિયાના ૨૭ વર્ષના નિક કીર્ગિયોસને ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૫, ૪-૬, ૭-૫, ૩-૭, ૬-૪થી હરાવીને પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. શુક્રવારની સેમીમાં ખાચાનોવની ટક્કર રુડ સાથે થશે. ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ખાચાનોવ સિંગલ્સ ટેનિસની ફાઇનલમાં જર્મનીના ઍલેક્ઝાંડર ઝ્વેરેવ સામે હારી જતાં સિલ્વર જીત્યો હતો. જોકે ૨૦૨૦ની સાલમાં કૅસ્પર રુડ સામે ખાચાનોવની હાર થઈ હતી. કૅસ્પર રુડ ફાઇનલમાં પહોંચશે તો વર્લ્ડ નંબર-વન બનવાની તેને તક છે અને મંગળવારે તેણે એ મોકો ઝડપી લેવાની દિશામાં પગલું ભર્યું હતું. સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં તેણે મૅટીઓ બેરેટિનીને ૬-૧, ૬-૪, ૭-૪થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. રાફેલ નડાલ અને ડેનિલ મેડવેડેવ સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂક્યા છે.