દેશના નંબર-વન ટેનિસ ખેલાડી સુમીત નાગલ આગામી ટેનિસ પ્રીમિયર લીગ (ટીપીએલ) માટેની મુંબઈમાં આયોજિત હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.

ટેનિસ ખેલાડી સુમીત નાગલ
ટીપીએલમાં સુમીત નાગલ સૌથી મોંઘો, ગુજરાતે ૧૮.૫ લાખમાં ખરીદ્યો
દેશના નંબર-વન ટેનિસ ખેલાડી સુમીત નાગલ આગામી ટેનિસ પ્રીમિયર લીગ (ટીપીએલ) માટેની મુંબઈમાં આયોજિત હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ગુજરાત પૅન્થર્સ ટીમે તેને ૧૮.૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ કાલની ઇવેન્ટમાં આ સ્પર્ધાની ટીમના સેલિબ્રિટી બ્રૅન્ડ ઍમ્બૅસૅડર્સ હાજર હતા અને એમાં લિયેન્ડર પેસ, સાનિયા મિર્ઝા, સોનુ સૂદ, સોનાલી બેન્દ્રે, રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર, મલાઇકા અરોરા તથા તાપસી પન્નુનો સમાવેશ હતો. ગઈ સીઝનની ફાઇનલિસ્ટ મુંબઈ લીઓન આર્મી નામની ટીમનો સૌથી મોંઘો પ્લેયર લાટ્વિયાનો અર્નેસ્ટ ગુલબિસ (૧૪ લાખ રૂપિયા) હતો.
ADVERTISEMENT
રોનાલ્ડોનો એશિયામાં પહેલો ગોલ ઃ સાઉદી-ઈરાન મૅચ રદ
પોર્ટુગલનો સુપરસ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્ષોથી યુરોપના અને અમેરિકા ખંડના દેશોમાં પ્રોફેશનલ ફુટબૉલ રમ્યા પછી આરબ દેશોમાં પણ રમ્યો છે અને સોમવારે રિયાધમાં તેણે એશિયામાં પહેલી વાર ગોલ કર્યો હતો. અલ નાસરે ૩-૧થી તાજિકિસ્તાનની ઇસ્ટિક્લો ક્લબની ટીમને હરાવી એમાં એક ગોલ રોનાલ્ડોએ ૬૬મી મિનિટે કર્યો હતો. બે ગોલ તાલસ્કાએ ૭૨મી અને ૭૭મી મિનિટે કરીને અલ નાસરની જીત પાકી કરી હતી. સોમવારે એક અનોખી ઘટનામાં ઇસ્ફાહનમાં સાઉદીની અલ-ઇત્તિહાદ ક્લબની ટીમે ઈરાનની સેફાહન ટીમ સામે રમવાની ના પાડી દીધી હતી. કારણ એ હતું કે યમનમાં સાઉદીના સૈનિકો ઈરાનના ટેકાવાળા જે બળવાખોરો સામે લડી રહ્યા છે એ બળવાખોરોના ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા આગેવાનનું પૂતળું ઈરાનના સ્ટેડિયમમાં લગાવવામાં આવતાં સાઉદીએ મૅચ રમવાની ના પાડી દીધી હતી.
ઑસ્ટ્રેલિયન ઓપન સોમવારને બદલે રવિવારે શરૂ થશે
આવતા જાન્યુઆરીમાં વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયનશિપ ઑસ્ટ્રેલિયન ઓપન પરંપરા પ્રમાણે સોમવારને બદલે હવે પહેલી વાર રવિવારે શરૂ થશે. મેલબર્નની આ સ્પર્ધામાં ઘણી મૅચો મોડી રાતે પૂરી થતી હોવાથી ખેલાડીઓ તથા પ્રેક્ષકોને પડતી મુશ્કેલી ઘટાડવાના આશયથી આ નિર્ણય લેવાયો છે. આ વર્ષની ઑસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં ઍન્ડી મરે અને થાનાસી કૉકિનાકીસ વચ્ચેની મૅચ સવારે ૪.૦૦ વાગ્યે પૂરી થઈ હતી.

