દિલ્હીમાં ખાસ શૂટિંગ રેન્જમાં તાલીમ લઈને ચીન ગયા અને જીત્યા છ ગોલ્ડ, સાત સિલ્વર, પાંચ બ્રૉન્ઝ : ટ્રેઇનિંગ માટેની સગવડો સુધારવાની વિજેતાઓની માગણી
ગોલ્ડન ગર્લ પલક ગુલિયા (જમણે) અને સિલ્વર વિનર ઇશા સિંહ.
ચીનમાં હૉન્ગજોની એશિયન ગેમ્સમાં છેલ્લા ૬ દિવસમાં શૂટિંગની હરીફાઈઓમાં ભારત ૬ ગોલ્ડ, ૭ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સહિત કુલ ૧૮ મેડલ જીત્યું છે, જે દર ચાર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં ભારત સામે નવો વિક્રમ છે અને આ રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ માટે દિલ્હીની ‘વૉર રૂમ’ કારણભૂત છે. ભારતીય શૂટર્સ દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં ‘વૉર રૂમ’ તરીકે જાણીતા સ્થળે સઘન તાલીમ લઈને ચીન ગયા અને ત્યાં તેઓ એક પછી એક હરીફાઈમાં યજમાન ચીન સહિત અનેક દેશોના હરીફોને પાછળ રાખીને મેડલ્સ જીત્યા છે.
ગઈ કાલે એક જ દિવસમાં ભારતીય શૂટર્સ બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર જીત્યા હતા. ગઈ કાલ સાંજ સુધીના કુલ ૧૮ મેડલ સાથે ભારતે ૧૭ વર્ષ જૂનો પોતાનો જ વિક્રમ પાર કર્યો છે. ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં ભારત નિશાનબાજીમાં કુલ ૧૪ મેડલ જીત્યું હતું અને અત્યાર સુધી એ વિક્રમ હતો, જે ચીનમાં પાર થયો છે. શૂટિંગની હરીફાઈમાં હજી બે દિવસ બાકી છે અેટલે ભારતીયો વધુ મેડલ જીતી શકે.
ADVERTISEMENT
ભારત ૯ મેડલ ટીમ ઇવેન્ટ્સમાં અને ૯ મેડલ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સમાં જીત્યું છે. વિમેન્સમાં ટીનેજ શૂટર્સ ૧૭ વર્ષીય પલક ગુલિયા તથા ૧૮ વર્ષની ઈશા સિંહ અને મેન્સમાં બાવીસ વર્ષનો ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર છવાઈ ગયાં છે.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ભારતીય શૂટર્સે ચીન જતાં પહેલાં દિલ્હીની ‘વૉર રૂમ’માં એશિયન ગેમ્સની હરીફાઈ માટેના શૂટિંગ રેન્જ જેવું જ રેન્જ ઊભું કરવામાં આવ્યું હતું અને એમાં તેમને જાણે ફાઇનલમાં નિશાનબાજી કરવાની હોય એ પ્રકારની ટ્રેઇનિંગ અપાઈ હતી. આ રૂમમાં સિમ્યુલેશન ટેક્નિક્સ ઉપરાંત ડ્રાય શૂટિંગની પણ સગવડ હતી. ફાઇનલ ફોર શૉટ્સ અને લાસ્ટ ટૂ શૉટ્સમાં નિશાનબાજોને અસ્સલ ચીનની એશિયન ગેમ્સ જેવો જ રસાકસીભર્યો માહોલ ઊભો કરી આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સ્પર્ધકોના પલ્સ રેટ, હાર્ટબીટ તેમ જ બ્રીધિંગ પૅટર્ન વગેરે પણ માપવામાં આવે છે. સ્પર્ધકો સામાન્ય રીતે ૧૦, ૧૨ કે ૧૪ શૉટ્સ પછી હાઇપર થઈ જતા હોય છે, પરંતુ દિલ્હીની ‘વૉર રૂમ’માં તેમને આ સ્થિતિમાં મન પર કેવી રીતે કાબૂ મેળવવો એ માટેનાં તેમ જ રિલૅક્સેશનનાં સેશન રાખવામાં આવ્યાં હતાં. સ્પર્ધકો માટે તાલીમ દરમ્યાન ખરી હરીફાઈ દરમ્યાન જે પ્રકારનું મ્યુઝિક પ્લે કરવામાં આવે અેવું સંગીત ૅવૉર રૂમ’માં પ્લે કરવામાં આવતું હતું.
દિલ્હીની ‘વૉર રૂમ’ નૅશનલ રાઇફલ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના હાઈ-પર્ફોર્મન્સ ડિરેક્ટર પીઍર બ્યૉચૅમ્પની સલાહ મુજબ તૈયાર કરાયું હતું. ભારતીય નિશાનબાજોએ એમાં જે સફળતા તાલીમ લીધી એનું તેમણે ચીનની સ્પર્ધામાં પુનરાવર્તન કર્યું હતું. જોકે ચીનમાં મેડલ જીતેલાં કેટલાક ભારતીય વિજેતાઓઅે ગઈ કાલે અેવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે દિલ્હીનું ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ૨૦૧૦ની કૉમનવેલ્થ ગેમ્સની પહેલાં બન્યું હતું અને અેમાં ઘણા સુધારાવધારા કરવા જરૂરી છે.


