ટાર્ગેટ ચેઝ ન થાય તો મનુ ભાકરે કરવી પડે છે સમાજસેવા
ફાઇલ તસવીર
મનુ ભાકરે તેની યાદગાર જીતની ક્રેડિટ ભૂતપૂર્વ ભારતીય શૂટર અને તેના કોચ જસપાલ રાણાને આપી છે. બે વર્ષ પહેલાં તે શૂટિંગ છોડીને વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનું વિચારી રહી હતી, પણ જસપાલ રાણાએ તેને કહ્યું હતું કે મને લાગે છે કે તું માત્ર ભારતની જ નહીં વર્લ્ડની બેસ્ટ શૂટર છે. કોચના આ વાક્યથી તે મોટિવેટ થઈ હતી.
પૅરિસ ઑલિમ્પિક્સની તૈયારી માટે તેણે ૪૮ વર્ષના કોચ જસપાલ રાણા દ્વારા તૈયાર કરેલા રૂટીનનું પાલન કર્યું હતું. ઇવેન્ટ દરમ્યાન કોચની હાજરીએ તેને બળ આપ્યું હતું. કોચ દ્વારા મનુ માટે સ્પષ્ટ ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. જો તે સ્કોર બનાવવામાં નિષ્ફળ જાય તો જેટલા પૉઇન્ટ ઓછા હોય એટલો તેણે દંડ ભરવો પડે છે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવામાં થાય છે. તેમણે એક વાર ગૌશાળા માટે હજારો રૂપિયાનો ગોળ ખરીદ્યો હતો. કેટલીક વાર તેઓ ગરીબ લોકોને જમાડતા પણ હતા.
ADVERTISEMENT
જસપાલ રાણા ૧૯૯૪ એશિયન ગેમ્સ, ૧૯૯૮ કૉમનવેલ્થ ગેમ્સ , ૨૦૦૨ કૉમનવેલ્થ ગેમ્સ, ૨૦૦૬ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. શૂટિંગમાં તેમના યોગદાન માટે તેમને ૧૯૯૪માં અર્જુન પુરસ્કાર, ૧૯૯૭માં પદ્મશ્રી અને ૨૦૨૦માં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

