જીવનની શરૂઆતના છ મહિના ઇન્ક્યુબેટરમાં પસાર કર્યા હતા
Paralympics 2024
સિમરનની સાથે ગાઇડ અભય સિંહને પણ મળ્યો મેડલ.
૨૦૧૯માં વર્લ્ડ ચૅમ્પિયન બનીને ઘરે પાછી ફરી ત્યારે બીમારીને કારણે પિતાને ગુમાવી દીધા હતા : દિલ્હીમાં જે કોચે ટ્રેઇનિંગ આપી તેની સાથે જ ૨૦૨૩માં કર્યાં હતાં લગ્ન
ઉત્તર પ્રદેશની સિમરન શર્માએ પૅરાલિમ્પિક્સમાં મહિલાઓની ૨૦૦ મીટર T12 ફાઇનલમાં ૨૪.૭૫ સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. T12 કૅટેગરી ક્ષતિગ્રસ્ટ દૃષ્ટિ ધરાવતા દોડવીરો માટે છે એટલે રમતવીરો ટ્રૅક પર માર્ગદર્શક સાથે દોડે છે. તે અગાઉ ૧૦૦ મીટર સ્પર્ધામાં ચોથા સ્થાને રહીને પહેલો પૅરાલિમ્પિક્સ મેડલ ચૂકી ગઈ હતી.
ADVERTISEMENT
ચોવીસ વર્ષની સિમરન શર્માનો જન્મ સાડાછ મહિનાની મુદતમાં થયો હતો જેને કારણે તેણે ઇન્ક્યુબેટરમાં છ મહિના ગાળ્યા, જ્યાં તેને દૃષ્ટિની ક્ષતિ હોવાનું જાણવા મળ્યું. તેના પિતાના પ્રોત્સાહનને કારણે તેણે દિલ્હીમાં ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ૨૦૧૯માં જપાનમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીત્યા બાદ જ્યારે તે ઘરે પરત ફરી ત્યારે લાંબી બીમારીને કારણે તેણે પોતાના પિતાને ગુમાવી દીધા હતા. ૨૦૨૩માં તેણે તેના કોચ ગજેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં જે આર્મી સર્વિસ કૉર્પ્સ માટે કામ કરે છે.
સિમરને તેના દુઃખને પ્રેરણામાં પરિવર્તિત કર્યું અને ઘણી અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી. તે ૨૦૨૨થી નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેણે નૅશનલ ચૅમ્પિયનશિપ અને ઇન્ડિયન ઓપનમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર ઇવેન્ટ્સમાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ગયા વર્ષે એશિયન પૅરા ગેમ્સમાં બે સિલ્વર મેડલ પણ જીત્યા હતા અને ગયા ડિસેમ્બરમાં ખેલો ઇન્ડિયા પૅરા ગેમ્સમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને લાંબી કૂદની ચૅમ્પિયન બની હતી.