શનિવારે સવારે લગભગ ૧૨.૪૦ વાગ્યે ૬૦ કલાક સુધી તે ચેસ રમ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રમતજગતમાં ઘણી વાર એવા રેકૉર્ડ બનતા હોય છે જેની કોઈને કલ્પના પણ નહીં હોય. કેટલાક ખેલાડીઓ વર્ષોની મહેનત, સંઘર્ષ, એકાગ્રતા અને હિંમતથી નવા વર્લ્ડ રેકૉર્ડ બનાવી દેતા હોય છે. હાલમાં નાઇજીરિયન ચેસ ચૅમ્પિયન ટુંડે ઓનાકોયાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ તોડવા માટે ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સતત ૬૦ કલાક સુધી ચેસ રમી હતી. ૨૯ વર્ષના પ્રોફેશનલ વકીલે સમગ્ર આફ્રિકામાં બાળકોના શિક્ષણ માટે ૧ મિલ્યન ડૉલર એકત્ર કરવાની આશા રાખીને ૧૭ એપ્રિલથી આ રેકૉર્ડ બનાવવાની શરૂઆત કરી હતી.
બાળશિક્ષણના હિમાયતી એવા ઓનાકાયાએ ૫૮ કલાક સુધી ચેસ રમવાની તૈયારી કરી હતી, પરંતુ શનિવારે સવારે લગભગ ૧૨.૪૦ વાગ્યે ૬૦ કલાક સુધી તે ચેસ રમ્યો હતો. આ રીતે તેણે ૫૬ કલાક, ૯ મિનિટ અને ૩૭ સેકન્ડના વર્તમાન ચેસ મૅરથૉન રેકૉર્ડને પાછળ છોડી દીધો, જે ૨૦૧૮માં નૉર્વેના હોલવર્ડ હોગ ફ્લેટબો અને સજુર ફાર્કિંગસ્ટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.

