થોમસ કપમાં ૫-૦થી જીત સાથે ભારતીય ટીમનો પ્રારંભ અને વધુ સમાચાર

કાર્લોસ અલ્કારેજ
નડાલ બાદ નંબર વન જૉકોવિચને હરાવ્યો ૧૯ વર્ષના અલ્કારેજે
સ્પેનના ટીનેજર કાર્લોસ અલ્કારેજે હાલમાં ચાલી રહેલી મૅડ્રિડ ઓપનમાં બે દિગ્ગજોને હરાવીને સનસનાટી મચાવી છે. શુક્રવારે ક્વૉર્ટર ફાઇનલમાં તેના આદર્શ અને ભૂતપૂર્વ નંબર વન રાફેલ નડાલને હરાવ્યા બાદ શનિવારે રાતે વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચને ૬-૭, ૭-૫, ૭-૬થી સાડાત્રણ કલાક ચાલેના સંઘર્ષ બાદ હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે નડાલ અને જૉકોવિચને એક ક્લે-કોર્ટ ઇવેન્ટમાં હરાવનાર અલ્કારેજ પ્રથમ ખેલાડી બન્યો હતો. ફાઇનલમાં હવે તેની ટક્કર સેકન્ડ ક્રમાંકિત અને હાલના ચૅમ્પિયન ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે સામે થશે. ઝ્વેરેવે સેમી ફાઇનલમાં ચોથા ક્રમાંકિત સ્ટેફનોસ ત્સીત્સીપાસને ૬-૪, ૩-૬, ૬-૨થી માત આપી હતી.
થોમસ કપમાં ૫-૦થી જીત સાથે ભારતીય ટીમનો પ્રારંભ
થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં શરૂ થયેલી પુરુષ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટ થોમસ કપમાં ભારતીય પુરુષ ટીમે જર્મની સામે સિંગલ્સ અને ડબલ્સ મુકાબલામાં ૫-૦થી શાનદાર જીત સાથે તેમના કૅમ્પેનની શરૂઆત કરી હતી. ભારતીય પુરુષ ટીમ ક્યારેય આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. ગયા વર્ષે તેઓ ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગયા હતા.
જેબોર બની ચૅમ્પિયન
મૅડ્રિડ ઓપનમાં મહિલા સિંગલ્સનો તાજ આરબ ખેલાડી ઓન્સ જેબોરે જીતી લીધો છે. ટેનિસ સિંગલ્સ રૅન્કિંગમાં ટૉપ ટેનમાં પ્રવેશ કરનાર પ્રથમ આરબ ખેલાડીનું બનવાનું માન મેળવનાર ટ્યુનિશિયાની જેબોરે શનિવારે રાતે ફાઇનલમાં અમેરિકન ખેલાડી જેસિકા પેગુલાને ૭-૫, ૦-૬, ૬-૩થી હરાવીને કરીઅરનું બીજું ટાઇટલ જીતી લીધું હતું.