મુંબઈ મૅરથૉને ૪૦.૬૮ કરોડ એકઠા કર્યા અને વધુ સમાચાર

રિધમ અને તોમરની જોડી
ભોપાલમાં શૂટિંગના વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતને રિધમ સંગવાન અને વરુણ તોમરની જોડીએ ૧૦ મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને નર્મદા નીતિન અને રુદ્રાક્ષ પાટીલની જોડી બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારત કુલ ચાર મેડલ જીત્યું હતું; જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રૉન્ઝનો સમાવેશ હતો.
રાડુકાનુએ હાર્યા પછી કહ્યું, કાંડાની ઈજાનું કંઈક કરવું પડશે
આઠ મહિના પહેલાં પર્ફોર્મન્સ સુધારીને મહિલા ટેનિસમાં ૧૦મા રૅન્ક સુધી આવનાર ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ યુએસ ઓપન ચૅમ્પિયન એમ્મા રાડુકાનુ બુધવારે અમેરિકાની માયામી ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં કૅનેડાની બિઆન્કા ઑન્ડ્રેએસ્કુ સામે ૬-૩, ૩-૬, ૬-૨થી હારી ગઈ હતી. હવે ૭૨મો રૅન્ક ધરાવતી રાડુકાનુએ બુધવારે હાર્યા પછી કહ્યું કે ‘મને ૨૦૨૨ની સીઝનથી જમણું કાંડું દુખે છે. આ ઈજા વિશે હું હવે ગંભીરતાથી વિચારીશ.’ બુધવારે માયામી ઓપનમાં ભૂતપૂર્વ યુએસ ઓપન ચૅમ્પિયન સ્લોન સ્ટીફન્સ તેમ જ ઇંગ્લૅન્ડનો ઍન્ડી મરે પણ પોતપોતાની સિંગલ્સની મૅચમાં હારી ગયાં હતાં.
મુંબઈ મૅરથૉને ૪૦.૬૮ કરોડ એકઠા કર્યા
એશિયાની સૌથી પ્રતિષ્ઠિત ડિસ્ટન્સ રનિંગ ઇવેન્ટ તાતા મુંબઈ મૅરથૉને આ વર્ષે સામાજિક કલ્યાણ માટે ૪૦.૬૮ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. સામાજિક કલ્યાણમાં મહિલા સશક્તીકરણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, પશુ કલ્યાણ તથા પર્યાવરણને લગતાં કાર્યોનો સમાવેશ છે.