પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોય દુબઈની બૅડ્મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપની બહાર થઈ ગયા છે.
પીવી સિંધુ
સિંધુ અને પ્રણોય દુબઈની સ્પર્ધાની બહાર
બે વખત ઑલિમ્પિક્સનું મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોય દુબઈની બૅડ્મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપની બહાર થઈ ગયા છે. ક્વૉર્ટ ફાઇનલમાં સિંધુનો કોરિયાની ઍન સી યંગ સામે ૫-૨૧, ૯-૨૧થી હારી ગઈ હતી. પ્રણોય જપાનના કૅન્ટા ત્સુનેયામા સામે ૧૧-૨૧, ૯-૧૩થી પાછળ હતો ત્યારે ઈજાને કારણે મૅચમાંથી નીકળી જતાં ત્સુનેયામાને વિજેતા જાહેર કરાયો હતો.
લિટન દાસ પાછો બંગલાદેશ ગયો, કમબૅક મુશ્કેલ
બંગલાદેશનો બૅટર અને કલકત્તા નાઇટ રાઇડર્સનો ખેલાડી લિટન દાસ પરિવારના કોઈક સભ્યની તાકીદે તબીબી સારવાર કરાવવાની હોવાથી સ્વદેશ જતો રહ્યો છે. તે પાછો આવવાની સંભાવના ઓછી છે, કારણ કે બંગલાદેશના ક્રિકેટ બોર્ડે તેને ૪ મે સુધીની જ એનઓસી આપી છે. તેણે ૨૦ એપ્રિલે આઇપીએલમાં ડેબ્યુ કર્યું હતું જેમાં તેણે દિલ્હી સામે ૪ રન બનાવ્યા હતા. તે આ એક જ મૅચ રમ્યો હતો.
ADVERTISEMENT
ફખરે પાકિસ્તાનને પહેલી વન-ડે જિતાડી આપી
રાવલપિંડીમાં ગુરુવારે પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડે જીતીને પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. ડેરિલ મિચલના ૧૧૩ અને વિલ યંગના ૮૬ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૭ વિકેટે ૨૮૮ રન બનાવ્યા બાદ પાકિસ્તાને ઓપનર ફખર ઝમાનના ૧૧૭ અને ઇમામ-ઉલ-હકના ૬૦ તથા બાબર આઝમના ૪૯ અને રિઝવાનના અણનમ ૪૨ રનની મદદથી ૪૮.૩ ઓવરમાં પાંચ વિકેટે ૨૯૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો. ઍડમ મિલ્નએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
શ્રેયસની ઈજા વખતે જ રહાણેનું નામ જાહેર થવું જોઈતું હતું ઃ શાસ્ત્રી
જૂનમાં લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની ભારતીય ટીમમાં અજિંક્ય રહાણેને સમાવવામાં આવ્યો એ વિશે ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ બેહદ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘આ સર્વોચ્ચ ટેસ્ટ મુકાબલામાં અનુભવી ખેલાડીની બહુ જરૂર પડે. યાદ રહે કે અઢી વર્ષ પહેલાં આપણે રહાણેના સુકાનમાં જ ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત્યા હતા. મેલબર્ન ખાતેની તેની સદી પણ બધાને યાદ હશે જ. તે આ વખતે આઇપીએલમાં પણ સારું રમ્યો છે. શ્રેયસ ઐયર ઈજા પામ્યો ત્યારે જ રહાણેનું નામ ટેસ્ટની ફાઇનલ માટે જાહેર થઈ જવું જોઈતું હતું.’