ભારતીય ફુટબૉલ કોચે જ્યોતિષીની સલાહ મુજબ ટીમ સિલેક્ટ કરી અને વધુ સમાચાર
વ્હીલચૅર રગ્બી ચૅમ્પિયનશિપ
વ્હીલચૅર રગ્બીમાં મહારાષ્ટ્ર ચૅમ્પિયન
પુણેના બાલેવાડીમાં આયોજિત પાંચમી નૅશનલ વ્હીલચૅર રગ્બી ચૅમ્પિયનશિપમાં કર્ણાટકને હરાવીને મહારાષ્ટ્ર ચૅમ્પિયન બન્યું હતું. સોમવારે ફાઇનલમાં મહારાષ્ટ્રની મેન્સ ટીમે કર્ણાટકને ૩૧-૧૦થી હરાવ્યું હતું. રગ્બી ઇન્ડિયા દ્વારા વ્હીલચૅર રગ્બી ફેડરેશન ઑફ ઇન્ડિયા અને મિત્શુબિશી કૉર્પોરેશન સાથેના સહયોગમાં આયોજિત આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા સહિત કુલ ૧૪ રાજ્યના ૧૨૦ ઍથ્લીટ્સે ભાગ લીધો હતો.
ADVERTISEMENT
પોગ્બા સસ્પેન્ડ, ડ્રગ્સ ટેસ્ટમાં પ્રતિબંધિત નશીલી દવા મળી
ફ્રાન્સના અને યુવેન્ટ્સના મિડફીલ્ડર પૉલ પોગ્બાની ડ્રગ્સ-ટેસ્ટમાં ટેસ્ટોસ્ટેરોન નામની પ્રતિબંધિત દવા મળી આવતાં તેને હાલ પૂરતો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ૨૦ ઑગસ્ટે યુવેન્ટ્સે ઉડીનેઝે સામે ૩-૦થી વિજય મેળવ્યો એ મૅચ પછી ડ્રગ્સ-ટેસ્ટ લેવામાં આવી હતી. ટેસ્ટોસ્ટેરોન એવું પ્રતિબંધિત હોર્મોન છે જે ઍથ્લીટની ક્ષમતા ખૂબ વધારે છે. જો તેણે જાણીજોઈને આ ડ્રગ લીધું હોવાનું સાબિત થશે તો તેના ફુટબૉલ રમવા પર ચાર વર્ષ સુધીનો બૅન આવી શકશે.
ભારતીય ફુટબૉલ કોચે જ્યોતિષીની સલાહ મુજબ ટીમ સિલેક્ટ કરી
૨૩ સપ્ટેમ્બરે ચીનમાં શરૂ થનારી એશિયન ગેમ્સ માટેની ફુટબૉલ ટીમ ભારતીય કોચ ઇગોર સ્ટિમેકે દિલ્હીના એક જ્યોતિષીની સલાહથી સિલેક્ટ કરી હોવાનું આઇએએનએસમાં જણાવાયું હતું. એક અહેવાલ મુજબ તેમણે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને સ્ટિમેક સાથે જ્યોતિષીની ઓળખ કરાવી હતી.
બોલિવિયામાં મેસીની બોલબાલા
તસવીર : એ.એફ.પી.
દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાના પાટનગર લા પાઝમાં ગઈ કાલે આર્જેન્ટિના અને બોલિવિયા વચ્ચેની ફિફા વર્લ્ડ ક્વૉલિફાયર પહેલાં શહેરમાં ઠેકઠેકાણે સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીનાં પોસ્ટર લાગ્યાં હતાં. એવા એક પોસ્ટરમાં મેસી (જમણેથી ત્રીજો) સાથે મહાન ખેલાડી ડિએગો મૅરડોના તેમ જ આર્જેન્ટિનાના જ મારિયો કેમ્પેસ (જમણે)ને તેમ જ બોલિવિયાના ખેલાડીઓ (ડાબેથી) માર્કો ઍન્ટોનિયો એટ્ચેવેરી, કાર્લોસ બૉર્યા અને રામિરો કૅસ્ટિલોને બતાવાયા હતા. બોલિવિયામાં મેસી ખૂબ લોકપ્રિય છે, પણ ગઈ કાલની મૅચ પહેલાં તેણે પ્રૅક્ટિસમાં ભાગ ન લીધો હોવાથી તેના અનેક ચાહકો નારાજ થયા હતા.
વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન શેફાલી સીએટની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર
ભારતની ટોચની મહિલા ક્રિકેટર્સમાં ગણાતી ૧૯ વર્ષની શેફાલી વર્માને સીએટ કંપનીએ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવી છે. ભારતીય ટીમ જાન્યુઆરીમાં શેફાલીની કૅપ્ટન્સીમાં વિમેન્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપ જીતી હતી. શેફાલી ૨૦૧૯માં ૧૫ વર્ષની ઉંમરે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી નાની વયની મહિલા ક્રિકેટર બની હતી.