અજયના પિતાએ તેમનો પુત્ર ડ્રગ્સના ઓવરડોઝનો શિકાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે અને એમાં તેમણે અજયના મિત્ર રવિનું નામ પણ આપ્યું છે
પૂજા સિહાગ અને અજય નંદાલ
મેડલ-વિજેતા રેસલરના પતિનું રહસ્યમય મૃત્યુ
તાજેતરની બર્મિંગહૅમ ખાતેની કૉમનવેલ્થ ગેમ્સમાં ૭૬ કિલો ફ્રીસ્ટાઇલ વર્ગની કુસ્તીની હરીફાઈમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પચીસ વર્ષની પૂજા સિહાગના પતિનો મૃતદેહ શનિવારે હરિયાણાના રોહતક જિલ્લામાં રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો. પૂજાના પતિ અજય નંદાલની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. અજયના પિતાએ તેમનો પુત્ર ડ્રગ્સના ઓવરડોઝનો શિકાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે અને એમાં તેમણે અજયના મિત્ર રવિનું નામ પણ આપ્યું છે. હજી ગયા વર્ષે જ પૂજા-અજયનાં લગ્ન થયાં હતાં. ખુદ અજય પણ રેસલર હતો.
ADVERTISEMENT
રાડુકાનુ રડી, પણ ઈજાથી ચિંતિત નથી
આજે ન્યુ યૉર્કમાં શરૂ થતી વર્ષની છેલ્લી ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા યુએસ ઓપનની બ્રિટિશ નંબર-વન ખેલાડી એમ્મા રાડુકાનુને પ્રૅક્ટિસ-મૅચમાં બે વાર જમણા હાથની ઈજાને કારણે રમવાનું અટકાવી દેવા છતાં ખાસ કોઈ ચિંતા નથી. એક વાર તો તે રડી પડી હતી અને કોચે તેને શાંત રાખવી પડી હતી. રાડુકાનુ ગયા વર્ષે યુએસ ઓપનમાં ચૅમ્પિયન બની હતી.
ડબલ્સ માટે સેરેના-વીનસને વાઇલ્ડ-કાર્ડ
યુએસ ઓપનમાં બે વખત ડબલ્સની ચૅમ્પિયન બનેલી સેરેના વિલિયમ્સ અને તેની મોટી બહેન વીનસ વિલિયમ્સને આજે શરૂ થતી આ ટુર્નામેન્ટની ડબલ્સમાં વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી મળી છે. ૨૦૧૮ની સાલ પછી તેઓ ફરી જોડીમાં રમી રહી છે. સેરેના-વીનસ કુલ મળીને ૧૪ ડબલ્સનાં ટાઇટલ જીતી છે, જેમાં છેલ્લું ટાઇટલ ૨૦૧૬માં વિમ્બલ્ડનમાં જીતી હતી.


