નડાલ ભૂતકાળમાં ૧૦ વખત ઇટાલિયન ઓપન જીત્યો હતો.

ફ્રેન્ચ ઓપન પહેલાં નડાલને થઈ ઈજા : રોમમાં હારી ગયો
સૌથી વધુ ૧૩ ફ્રેન્ચ ઓપન ટાઇટલ સહિત કુલ વિક્રમજનક ૨૧ ટાઇટલ જીતી ચૂકેલા સ્પેનના રાફેલ નડાલને ફ્રેન્ચ ઓપનના આરંભના ૧૦ દિવસ અગાઉ પગની ઈજા ફરી નડી છે. ગુરુવારે તે ઇટાલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં આ ઈજાને કારણે જ ડિસ્ટર્બ્ડ થયો હતો અને છેવટે કૅનેડાના ડેનિસ શાપોવાલોવ સામે ૧-૬, ૭-૫, ૬-૨થી હારી ગયો હતો. નડાલ ભૂતકાળમાં ૧૦ વખત ઇટાલિયન ઓપન જીત્યો હતો.
અજાઝ પટેલને ૧૦ વિકેટે પાછો કૉન્ટ્રૅક્ટ અપાવ્યો
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે કૉન્ટ્રૅક્ટ હેઠળના ખેલાડીઓની નવી યાદી તૈયાર કરી છે જેમાં લેફ્ટ-આર્મ સ્પિનર અજાઝ પટેલનું પણ નામ છે. ડિસેમ્બરમાં વાનખેડેમાં ભારત સામેની ટેસ્ટના એક દાવમાં તમામ ૧૦ વિકેટ લઈને ઇતિહાસમાં એવો ત્રીજો બોલર બનવા બદલ અજાઝને ફરી આ લિસ્ટમાં સ્થાન અપાયું છે. જોકે ૧૧૬ ઇન્ટરનૅશનલ મૅચના અનુભવી ઑલરાઉન્ડર જિમી નીશામને ત્રણ વર્ષમાં પહેલી વાર લિસ્ટમાંથી કાઢી નખાયો છે. તેના સ્થાને ઑફ-સ્પિન ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલનો સમાવેશ કરાયો છે.
બેન્ઝેમાના ૩૨૩ ગોલ રોનાલ્ડો પછી બીજા નંબરે
યુરોપની ટોચની ફુટબૉલ ક્લબોમાંની એક રિયલ મૅડ્રિડ વતી કરીમ બેન્ઝેમાએ ગુરુવારે ૩૨૩મો ગોલ કર્યો હતો. એ સાથે તેણે આ જ ક્લબ વતી રમેલા રાઉલ ગૉન્ઝાલેઝની બરાબરી કરી છે અને તે હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી બીજા નંબરે છે. રોનાલ્ડો ૨૦૧૮ સુધી રિયલ મૅડ્રિડ વતી રમ્યો હતો અને એમાં તેણે ૪૫૧ ગોલ કર્યા હતા. બેન્ઝેમા હજી રોનાલ્ડોથી ૧૨૮ ગોલ પાછળ છે. બેન્ઝેમાએ લવાન્ટે સામેની રિયલ મૅડ્રિડની ૬-૦થી જે જીત મેળવી એમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ૧૯મી મિનિટે ગોલ કર્યો હતો. જોકે વિની જુનિયરે ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી.
હૈદરાબાદને હવે એકેય હાર નહીં પરવડે : કલકત્તા એક્ઝિટની તૈયારીમાં
આઇપીએલની ૧૫મી સીઝનમાં આજે ૬૧મી મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ માટે નિર્ણાયક બની શકે. સતત ચાર પરાજય બાદ હવે આજે હૈદરાબાદે સ્પર્ધામાં ટકી રહેવા માટે જીતવું જ પડશે. ખરેખર તો કેન વિલિયમસનની ટીમે બાકીની ત્રણેય લીગ મૅચ જીતવાની છે. બીજી બાજુ, કલકત્તાના પણ હૈદરાબાદ જેટલા ૧૦ પૉઇન્ટ છે, પરંતુ કલકત્તાએ આજના મુકાબલા સહિત બાકીની બન્ને મૅચ જીતવાની છે. એ જોતાં મુંબઈ તથા ચેન્નઈ પછી હવે શ્રેયસ ઐયરની આ ટીમ પ્લે-ઑફની રેસની બહાર ફેંકાવાની તૈયારીમાં છે.
પૅટ કમિન્સ ઈજાને કારણે સ્પર્ધાની બહાર થઈ ગયો હોવાથી કલકત્તા માટે આજે જીતવું વધુ કઠિન છે. આ ટીમ બન્ને મૅચ જીતે તો એના કુલ ૧૪ પૉઇન્ટ થાય. જોકે ૧૪ પૉઇન્ટ સાથે રાજસ્થાન અને બૅન્ગલોર અગાઉથી જ મોજૂદ હોવાથી કલકત્તા માટે હવે ટકવું અસંભવ છે.
ફિડેના ઉપ-પ્રમુખપદ માટે આનંદ ઉમેદવાર
ફિડે તરીકે જાણીતા ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશને જાહેર કર્યું છે કે ભારતનો ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ ફિડેના વાઇસ-પ્રેસિડન્ટના હોદ્દા માટેનો ઉમેદવાર છે. અર્કાડી દ્વોરકોવિચ ફરી પ્રમુખપદ માટે ચૂંટણીમાં ઊભા છે. ફિડેના એક અધિકારીએ જણાવ્યા મુજબ જો અર્કાડી ફરી પ્રેસિડન્ટ બનશે તો આનંદ તેમનો ડેપ્યુટી બનશે.
શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ક્રિકેટ લીગ
શ્રી ઔદીચ્ય બ્રાહ્મણ મુડેટી પંચની રમતગમત સમિતિ દ્વારા આવતી કાલે (રવિવારે) મુડેટી ક્રિકેટ લીગ (એમમસીએલ)નું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોની ૬ ટીમ અને મહિલાઓની ૪ ટીમ આ ટર્ફ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેશે અને રોમાંચક મુકાબલા બાદ ફાઇનલ જીતનાર પુરુષોની ટીમ તથા મહિલાઓની ટીમ એમસીએલ-૩ ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૨ની હકદાર બનશે. કુલ ૧૦ ટીમો વચ્ચેની આ સ્પર્ધા રવિવારે બપોરે ૧ વાગ્યાથી ટીજીએસ સ્પોર્ટ્સ એરીના, ૪૬૨, ઑફ ગોરાઈ રોડ, ન્યુ એમએચબી કૉલોની, શેલી હાઈ સ્કૂલ સામે, બોરીવલી-વેસ્ટમાં રમાશે.