શતરંજની રમતના પ્રણેતા ભારત બાદ હવે પછી જ્યારે પણ કોઈ દેશમાં ચેસ ઑલિમ્પિયાડની ટૉર્ચ રિલેની વિધિ યોજાશે ત્યારે એનો આરંભ ભારતથી જ થશે અને ત્યાર પછી એ મશાલ બીજા દેશોમાં લઈ જવાશે.

નરેન્દ્ર મોદી
તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં આગામી ૨૮ જુલાઈએ ૪૪મું ચેસ ઑલિમ્પિયાડ શરૂ થશે, પરંતુ એ પહેલાં આવતી કાલે (૧૯ જૂને) રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સાંજે ૫.૦૦ વાગ્યે આ ઑલિમ્પિયાડની ઐતિહાસિક ટૉર્ચ (મશાલ) રિલેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે ફ્લૅગ-ઑફ કરવામાં આવશે. એ ઉપરાંત તેઓ સ્ટેડિયમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધન પણ કરશે.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ચેસ ઑલિમ્પિયાડની ટૉર્ચ રિલે લૉન્ચ કરવાનો આ પ્રસંગ ઐતિહાસિક હોવાનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા ફિડેએ આ વખતે પહેલી જ વખત ઑલિમ્પિક ગેમ્સની જેમ ચેસ ઑલિમ્પિયાડ માટે ટૉર્ચ રિલેની પ્રથા શરૂ કરી છે અને એનો સૌપ્રથમ અવસર ભારતને પ્રાપ્ત થયો છે. શતરંજની રમતના પ્રણેતા ભારત બાદ હવે પછી જ્યારે પણ કોઈ દેશમાં ચેસ ઑલિમ્પિયાડની ટૉર્ચ રિલેની વિધિ યોજાશે ત્યારે એનો આરંભ ભારતથી જ થશે અને ત્યાર પછી એ મશાલ બીજા દેશોમાં લઈ જવાશે.
આ વખતે ફિડેના પ્રમુખ આર્કેડી દ્વોરોકોવિચ મશાલ પીએમ મોદીને સોંપશે અને મોદી એ મશાલ લૉન્ચ કર્યા બાદ પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા વિશ્વનાથન આનંદને સોંપી દેશે. ત્યાર પછી મશાલ ૪૦ દિવસ દરમ્યાન ૭૫ શહેરોમાં લઈ જવાશે. મશાલને ચેન્નઈમાં સ્થાપિત કરાશે એ પહેલાં દરેક રાજ્યમાં જે-તે રાજ્યના ગ્રૅન્ડમાસ્ટર એ મશાલને સ્વીકારીને આગળ વધારશે.