૨૦૨૬ના વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગમાં બ્રાઝિલનો લાગલગાટ બીજો પરાજય
ગુરુવારે બ્યુનસ આયરસમાં લિયોનેલ મેસીની મૅચ તેની મમ્મી સેલિયા મારિયા (જમણે) તેમ જ તેના ભાઈ માટિયાસે (વચ્ચે) જોઈ હતી. એક તબક્કે મેસી ફ્રી કિકને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ જતાં નિરાશ થઈ ગયો હતો. એ.એફ.પી.
લિયોનેલ મેસી ગુરુવારે બ્યુનસ આયરસમાં આર્જેન્ટિનાની વર્લ્ડ ચૅમ્પિયનપદ પછીની વિજયકૂચ જાળવી નહોતો શક્યો. તેની ટીમ ઉરુગ્વે સામે ૨૦૨૬ના વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચમાં ૦-૨થી હારી ગઈ હતી. ગયા વર્ષે (૨૨ નવેમ્બરે) વર્લ્ડ કપની પ્રથમ લીગમાં સાઉદી અરેબિયા સામેની ૧-૨ની હાર પછી આર્જેન્ટિના ક્યારેય કોઈની સામે હાર્યું નહોતું, પણ ગુરુવારે ઉરુગ્વેના રોનાલ્ડ તથા ડાર્વિનના એક-એક ગોલ મેસીની ટીમને ભારે પડી ગયા હતા. બ્રાઝિલની પણ ક્વૉલિફાઇંગમાં ખરાબ શરૂઆત રહી છે. એણે ગુરુવારે સતત બીજો પરાજય જોયો હતો. કોલમ્બિયાએ એને ૨-૧થી હરાવ્યું હતું.
જોકે દક્ષિણ અમેરિકાના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આર્જેન્ટિના ૧૦ ટીમો વચ્ચે હજી પણ ૧૨ પૉઇન્ટ સાથે મોખરે છે. હવે બ્રાઝિલ ઘરઆંગણે (રિયો ડી જાનેરોમાં) આર્જેન્ટિના
સામે રમશે.
૨૦૨૬નો ફિફા વર્લ્ડ કપ સંયુક્તપણે અમેરિકા, મેક્સિકો, કૅનેડામાં રમાવાનો છે. કુલ ૪૮ દેશની ટીમ એમાં ભાગ લેશે અને સાઉથ અમેરિકામાંથી ટોચની ૬ ટીમ એમાં જઈ શકશે, જ્યારે સાતમા ક્રમની ટીમ પ્લે-ઑફ રાઉન્ડમાં જીતીને ક્વૉલિફાય થઈ શકશે.


