વિજય એક, કપ અનેક : વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન મેસી ‘સાતમા આસમાને’

ઉજવણી દરમ્યાન આર્જેન્ટિનાના ખેલાડીઓએ મેસીને ઊંચકીને ઉછાળ્યો હતો અને આ સેલિબ્રેશન ઘણી વાર સુધી ચાલ્યું હતું. તસવીર: એ. એફ. પી.
આર્જેન્ટિનાના કૅપ્ટન લિયોનેલ મેસીએ ગુરુવારે બ્યુનસ આયરસમાં પનામા સામેની મૅચ ૨-૦થી જીત્યા પછી વર્લ્ડ કપના ચૅમ્પિયનપદની ખુશાલીમાં આયોજિત રેકગ્નિશન સેરેમની દરમ્યાન વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓએ ટ્રોફીની રેપ્લિકા સાથે સેલિબ્રેશન કર્યું હતું.
લિયોનેલ મેસી ગુરુવારે ફરી એક વાર મૅજિકથી આર્જેન્ટિનાના ફુટબૉલપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયો હતો. પાટનગર બ્યુનસ આયરસમાં પનામા સાથે રમાયેલી ફ્રેન્ડ્લી મૅચમાં મેસીના એક ગોલની મદદથી આર્જેન્ટિનાએ ૨-૦થી વિજય મેળવ્યો હતો. ડિસેમ્બરમાં આર્જેન્ટિનાએ મેસીના સુપર-પર્ફોર્મન્સની મદદથી કતારમાં વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી એની ઉજવણી માટે યોજાયેલી આ મૅચમાં મેસી ઍન્ડ કંપનીને જીતવું ભારે તો પડી જ ગયું હતું, કારણ કે ૭૮મી મિનિટ સુધી એકેય ગોલ નહોતો થઈ શક્યો. ૭૮મી મિનિટે મેસીની ફ્રી કિકમાં ટિઍગો અલ્માડાએ પહેલો ગોલ કર્યા પછી મેસીએ ૮૯મી મિનિટે ગોલ કર્યો હતો અને તેની ટીમે ૨-૦થી શાનદાર વિજય મેળવ્યો હતો.
આર્જેન્ટિના ઉપરાંત પ્રોફેશનલ સોકરમાં બાર્સેલોના વતી રમ્યા પછી હવે પીએસજી વતી રમતા મેસીએ ગુરુવારે ૮૩,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં કરીઅરનો ૮૦૦મો ગોલ કર્યો એ સાથે જ સાથી-ખેલાડીઓ તેને ભેટી પડ્યા હતા. આર્જેન્ટિના વતી તેનો આ ૯૯મો ગોલ હતો અને ૧૦૦મા ગોલથી હવે એક ડગલું દૂર છે.
આ ફ્રેન્ડ્લી મૅચ વર્લ્ડ કપના ચૅમ્પિયનપદના સેલિબ્રેશન માટે હતી અને એ પ્રસંગે મેસીએ ઉપસ્થિત મહેમાનો, પરિવારજનો તેમ જ પ્રેક્ષકોને અને કરોડો ટીવી-દર્શકોને ઇમોશનલ સ્પીચ પણ આપી હતી.
અમને તમારા તરફથી જે અઢળક પ્રેમ મળી રહ્યો છે એ બદલ હું સૌકોઈનો ખૂબ આભારી છું. અમે વર્લ્ડ કપમાં રમવા જતાં પહેલાં જ તમને કહ્યું હતું કે અમે ટ્રોફી જીતવા માટે શક્ય બધું કરી છૂટીશું. આપણે ઘણાં વર્ષોથી ચૅમ્પિયન નહોતા બન્યા અને ફરી ક્યારે બનીશું એ જાણતા નહોતા એટલે ચાલો, આપણે આ જીતને ખૂબ માણીએ. - લિયોનેલ મેસી
ફુલ હાઉસ વચ્ચે ફુલ ફૅમિલી
આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયરસમાં ૮૩,૦૦૦ લોકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમના મેદાન પર મેસી વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને પત્ની ઍન્ટોનેલા તેમ જ ત્રણેય પુત્રો ટિઍગો, મૅટીઓ અને સિરો સાથે આવી રહ્યો હતો ત્યારે લોકોએ આ પ્રાઉડ ફૅમિલીનું અભિવાદન કર્યું હતું.
મેસી જુનિયર પણ જોશમાં
મેસીએ સૌથી મોટા પુત્ર ટિઍગોને ટ્રોફી સોંપી ત્યારે તેણે એ ટ્રોફીને ઊંચી કરી હતી અને સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો પ્રેક્ષકોએ બૂમ પાડીને તેનું અભિવાદન કર્યું હતું. ટિઍગોને પણ ડૅડીની જેમ ફુટબૉલ રમવાનું ગમે છે.