૧૦ મીટર ઍર રાઇફલમાં જીતી ગોલ્ડ : ફ્રાન્સની અને ચીનની હરીફને પાછળ રાખી દીધી

ગઈ કાલે રિયોમાં એલાવેનિલ વલારિવન (તસવીર : twitter.com)
મૂળ તામિલનાડુની અને અમદાવાદમાં રહેતી ૨૪ વર્ષની તામિલ શૂટર એલાવેનિલ વલારિવન બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં બીજી વાર વર્લ્ડ ચૅમ્પિયન બની છે. ગઈ કાલે તેણે ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઇએસએસએફ) વર્લ્ડ કપ રાઇફલ/પિસ્તોલ કૉમ્પિટિશનમાં વિમેન્સ ૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ પહેલાં તે રિયોમાં જ વર્લ્ડ કપમાં સુવર્ણચંદ્રક જીતી હતી. ૨૦૧૮માં એલાવેનિલ સાઉથ કોરિયામાં રમાયેલી શૂટિંગની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી હતી. તે અમદાવાદની ભવન્સ આર્ટ્સ કૉલેજમાં ભણી છે. તેનાં મમ્મી સરોજા વલારિવન આણંદમાં શિક્ષિકા હતાં અને હવે અમદાવાદની કૉલેજમાં પ્રિન્સિપાલ છે. એલાવેનિલનો ભાઈ ભારતીય લશ્કરમાં છે. એલાવેનિલને કરીઅર ડેવલપ કરવામાં સૌથી વધુ પ્રેરણા તેની મમ્મી પાસેથી મળી છે. ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ એલાવેનિલના આઇડલ છે.ગઈ કાલે ૮ મહિલા સ્પર્ધકો વચ્ચેની ફાઇનલમાં તમામ ૨૪ શૉટમાં તેનો એકેય સ્કોર ૧૦.૧થી ઓછો નહોતો. તેણે ૨૫૨.૨ના કુલ સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ફ્રાન્સની ૨૦ વર્ષની ઑસની મુલર (૨૫૧.૯) બીજા નંબરે આવી હતી, જ્યારે ચીનની ઝાન્ગ જિઆલે બ્રૉન્ઝ જીતી હતી. 13 - એલાવેનિલ એશિયા તથા વિશ્વસ્તરે કુલ આટલા ગોલ્ડ મેડલ જીતી છે.
નીરજ ચોપડા ડાયમન્ડ લીગનું ટાઇટલ જાળવી ન શક્યો : સિલ્વર મેડલ જીત્યો
ભાલાફેંકના ઑલિમ્પિક્સ વિજેતા અને વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા અમેરિકામાં શનિવારે ડાયમન્ડ લીગની ફાઇનલમાં બીજા નંબરે આવતાં આ ચૅમ્પિયનશિપમાં ગયા વર્ષે જીતેલા ગોલ્ડ મેડલનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે તે બીજું સ્થાન મેળવવામાં સફળ થતાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના આર્મીમૅન નીરજનો શનિવારનો ૮૩.૮૦ મીટરનો બેસ્ટ થ્રો પ્રથમ નંબરે આવેલા ચેક રિપબ્લિકના યાકુબ વાદલેચના ૮૪.૨૪ મીટરના થ્રો કરતાં બહુ ખરાબ તો નહોતો, પરંતુ કુલ ૬ હરીફોમાં યાકુબે પોતાનો આ બેસ્ટ થ્રો છઠ્ઠા અને અંતિમ રાઉન્ડમાં કર્યો હતો અને ગોલ્ડ જીતી ગયો હતો. ૨૦૨૧ની ટોક્યો ઑલિમ્પિક્સમાં નીરજ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે યાકુબને સિલ્વર મળ્યો હતો. ગયા મહિને હંગેરીના બુડાપેસ્ટમાં નીરજ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે યાકુબે બ્રૉન્ઝ મેળવ્યો હતો. જોકે શનિવારે યાકુબે નીરજને નહોતો જીતવા દીધો. નીરજનો ૮૯.૯૪ મીટરનો થ્રો પર્સનલ બેસ્ટ છે. હવે તે ૨૩મીએ ચીનમાં શરૂ થતી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો પ્રયાસ કરશે. 100 - ડાયમન્ડ લીગમાં આટલા મીટરની દોડમાં અમેરિકાના કૉલમને વર્લ્ડ ચૅમ્પિયન નાઓ લાઇલ્સને હરાવીને ગોલ્ડ જીતી લીધો હતો. કૉલમને ૯.૮૩ સેકન્ડમાં અને લાઇલ્સે ૯.૮૫ સેકન્ડમાં આ અંતર પાર કર્યું હતું.
બોપન્નાનું ડેવિસ કપને વિજયી ફેરવેલ: ભારતે મૉરોક્કોને ૩-૧થી હરાવ્યું
લખનઉમાં ગઈ કાલે ભારતે મૉરોક્કોને ડેવિસ કપ ટેનિસ ટુર્નામેન્ટના વર્લ્ડ ગ્રુપ-ટૂ મુકાબલામાં ૩-૧થી હરાવ્યું હતું. ૪૩ વર્ષના રોહન બોપન્નાની આ છેલ્લી ડેવિસ કપ હતી, જેમાં તેણે યુકી ભાંબરી સાથેની જોડીમાં ડબલ્સમાં મૉરોક્કોના એલિયટ બેન્ચેટ્રિટ અને યુનીસ લાલામીને એક કલાક અને અગિયાર મિનિટે ૬-૨, ૬-૧થી હરાવ્યા હતા. ભારતના નંબર-વન સિંગલ્સ પ્લેયર સુમીત નાગલે યાસિન દ્લીમીને ૬-૩, ૬-૩થી હરાવ્યો હતો. જોકે શનિવારે દ્લીમીએ મુકુંદ શશીકુમારને ૩-૭, ૭-૫, ૧-૪ના સ્કોર વખતે ઈજાને લીધે મૅચમાંથી નીકળી જતાં દ્લીમીને વિજેતા જાહેર કરાયો હતો. એ પહેલાં સુમીતે મૉઉન્ડિરને ૬-૩, ૬-૩થી પરાજિત કર્યો હતો.
રોનાલ્ડો, નેમાર, બેન્ઝેમા એશિયા ગજાવવા આવી ગયા : યુરોપિયન ચૅમ્પિયનશિપમાં અને સાઉદીની સ્પર્ધાઓમાં છવાઈ ગયા બાદ હવે આજથી એશિયન લીગમાં સામર્થ્ય બતાવવા તૈયાર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને કરીમ બેન્ઝેમા કુલ મળીને યુરોપિયન ચૅમ્પિયન્સ લીગના ૧૧ ટાઇટલ જીત્યા છે અને હવે તેઓ આજથી એશિયન ચૅમ્પિયન્સ લીગ (એસીએલ)માં ટાઇટલ જીતવા કમર કસી રહ્યા છે. રોનાલ્ડો ઑગસ્ટમાં સાઉદીની અલ-હિલાલ ક્લબની ટીમમાં જોડાયો હતો. નેમાર પણ અલ-હિલાલ ટીમમાં છે. તેણે પણ ઑગસ્ટમાં પેપર્સ સાઇન કર્યાં હતાં. જોકે કરીમ બેન્ઝેમાએ જૂનમાં સાઉદીની અલ-ઇત્તિહાદ ક્લબ સાથે કરાર કર્યા હતા. મુંબઈ સિટી ક્લબની ટીમ પણ એસીએલમાં રમી રહી છે અને એ ટીમના ખેલાડીઓ ખાસ કરીને નેમાર સાથે બાથ ભીડવા તૈયાર છે. 5 - સ્પૅનિશ લીગ લા લીગામાં શનિવારે બાર્સેલોનાએ આટલા ગોલ કરીને બેટિસ ક્લબની ટીમને હરાવી હતી. બેટિસના પ્લેયર્સ એકેય ગોલ નહોતા કરી શક્યા.
ઑસ્ટ્રેલિયાની ટીમ જાહેર : સ્મિથ, મૅક્સવેલ, સ્ટાર્ક ભારત આવી રહ્યા છે
શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બરે ભારતમાં શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટેની ટીમમાં સ્ટીવ સ્મિથ, ગ્લેન મૅક્સવેલ અને મિચલ સ્ટાર્કનો સમાવેશ થયો છે. વર્લ્ડ કપ પહેલાંની ભારત સામેની ત્રણ વન-ડે મોહાલી (૨૨ સપ્ટેમ્બર), ઇન્દોર (૨૪ સપ્ટેમ્બર) અને રાજકોટ (૨૭ સપ્ટેમ્બર)માં રમાશે. ત્રણે મૅચ બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે. સ્મિથ કાંડાની અને સ્ટાર્ક પગની ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. મૅક્સવેલ પગની ઘૂંટીની ઈજા હોવા ઉપરાંત પિતા બનવાનો હોવાથી રજા પર છે એટલે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તે નહોતો રમ્યો. ઑસ્ટ્રેલિયાની ટીમ ઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), શૉન અબૉટ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), નૅથન એલિસ, કૅમેરન ગ્રીન, જૉશ હૅઝલવુડ, જૉશ ઇંગ્લિસ, સ્પેન્સર જૉન્સન, માર્નસ લબુશેન, મિચલ માર્શ, ગ્લેન મૅક્સવેલ, તનવીર સાંઘા, મૅથ્યુ શૉર્ટ, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિસ, ડેવિડ વૉર્નર અને ઍડમ ઝૅમ્પા.
ઑલ ધ બેસ્ટ : તમે પણ એશિયન ચૅમ્પિયન બનજો
ગઈ કાલે ભારતની મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં રમવા માટે ચીનના હાન્ગજો શહેરમાં પહોંચી હતી. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરના સુકાનમાં રમશે. એશિયન ગેમ્સનો વિધિવત્ આરંભ ૨૩ સપ્ટેમ્બરે થશે, પરંતુ બિઝી શેડ્યુલને લીધે મહિલાઓની ટી૨૦ ક્રિકેટ સ્પર્ધા ૧૯ સપ્ટેમ્બરે શરૂ થઈ જશે. હરમનપ્રીત સસ્પેન્શનને લીધે પહેલી બે મૅચ નહીં રમી શકે. સ્મૃતિ મંધાના ટીમની વાઇસ-કૅપ્ટન છે.