આ વૈશ્વિક ખિતાબ જીતનાર બીજો ભારતીય, છેલ્લે ૨૦૧૩માં વિશ્વનાથન આનંદ જીત્યો હતો આ ટાઇટલ: ડૉક્ટર અને વૈજ્ઞાનિકનો દીકરો સિંગાપોરમાં જીત્યો વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ 2024
વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બન્યા બાદ રડી પડ્યો હતો ડી. ગુકેશ
સિંગાપોરમાં ગઈ કાલે વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ 2024 જીતીને ભારતીય ગ્રૅન્ડમાસ્ટર ગુકેશ ડોમરાજુએ ઇતિહાસ રચ્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનના ૩૨ વર્ષના ડિંગ લિરેન સામે ૧૪મી મૅચમાં ૭.૫-૬.૫ની સ્કોરલાઇનથી જીતીને ડી. ગુકેશ ૧૮ વર્ષ ૮ મહિના ૧૪ દિવસની ઉંમરે વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. આ પહેલાં ૧૯૮૫માં રશિયાનો ગૅરી કાસ્પારોવ પોતાના જ દેશના ઍનાતોલી કાર્પોવને હરાવીને બાવીસ વર્ષ ૬ મહિના ૨૭ દિવસની ઉંમરે આ ટાઇટલ જીત્યો હતો.
ગુકેશ આ વર્લ્ડ ટાઇટલ જીતનાર બીજો ભારતીય બન્યો છે. છેલ્લે ૨૦૧૩માં વિશ્વનાથન આનંદ ભારત માટે આ ટાઇટલ જીત્યો હતો. પાંચ વારના વર્લ્ડ ચૅમ્પિયન આનંદ ગુકેશના મેન્ટર પણ છે. ગુકેશનો જન્મ ૨૦૦૬માં ચેન્નઈમાં થયો હતો. તેના પપ્પા ડૉક્ટર રજનીકાંત ENT સર્જ્યન છે અને વૈજ્ઞાનિક મમ્મી પદ્મા માઇક્રોબાયોલૉજિસ્ટ છે. ગુકેશે ૭ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું.
પચીસમી નવેમ્બરથી ગઈ કાલ સુધી બન્ને વચ્ચે ૧૪ રાઉન્ડ મૅચ રમાઈ હતી જેમાંથી ગુકેશે ત્રીજા, અગિયારમા અને ૧૪મા રાઉન્ડમાં જીત મેળવી હતી; જ્યારે લિરેને પહેલા અને બારમા રાઉન્ડમાં જીત મેળવી હતી. અન્ય ૯ મૅચ ડ્રૉ રહી હતી. ગુકેશ ચાર કલાકમાં ૫૮ ચાલ બાદ લિરેન સામે ૧૪મી મૅચ જીતી ગયો અને એકંદરે અઢારમો વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બન્યો છે. જો ગઈ કાલની મૅચ પણ ડ્રૉ રહી હોત તો આજે ટૂંકા ટાઇબ્રેકમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હોત.
ADVERTISEMENT
કોણ કેટલી પ્રાઇઝ મની જીત્યું?
વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપની દરેક મૅચ જીતતાં વિજેતાને ઑલમોસ્ટ ૧.૬૯ કરોડ રૂપિયા મળે છે. ત્રણ મૅચ જીતીને ભારતનો ગુકેશ ૫.૦૭ કરોડ રૂપિયા જીત્યો છે, જ્યારે ચીનનો લિરેન બે મૅચ જીતીને ૩.૩૮ કરોડ રૂપિયા જીત્યો છે.
હું છેલ્લાં ૧૦ વર્ષથી આ ક્ષણનું સપનું જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મેં આ સપનાને વાસ્તવિકતામાં ફેરવ્યું. - ડી. ગુકેશ