એશિયન ગેમ્સમાં કટ્ટર હરીફને ૧૦-૨થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો: કૅપ્ટન હરમનપ્રીતે ફટકાર્યા ચાર ગોલ
ફાઇલ તસવીર
ભારતે ગઈ કાલે ચીનના હૉન્ગજોમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સની પુલ મૅચમાં પાકિસ્તાનને ૧૦-૨થી હરાવ્યું હતું, જેમાં કૅપ્ટન હરમનપ્રીત સિંહે ચાર ગોલ કર્યા હતા. ભારતનો પાકિસ્તાન સામે આ સૌથી મોટો વિજય હતો. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. હરમનપ્રીતે ૧૧મી, ૧૭મી, ૩૩મી અને ૩૪મી મિનિટે ગોલ કર્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ ખાન અને અબ્દુલ રાણાએ એક-એક ગોલ કર્યો હતો. જોકે આખી મૅચમાં ભારત પાકિસ્તાન પર હાવી જ રહ્યું હતું. બન્ને ટીમ વચ્ચે આ ૧૮૦મી મૅચ હતી. ૮ ગોલના અંતરથી જીત ભારતની પાકિસ્તાન સામેની હૉકીના ઇતિહાસમાં સૌથી મોટી જીત હતી. નવી દિલ્હીમાં ૧૯૮૨ની એશિયન ગેમ્સની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને ૭-૧થી હરાવ્યું હતું, જે એમની ભારત સામેની સૌથી મોટી જીત હતી. આમ ભારતે ૪૧ વર્ષ પહેલાંની હારનો બદલો લીધો હતો. ભારતે સતત ચાર મૅચ જીતને ૧૨ પૉઇન્ટ મેળવ્યા છે. ભારત પોતાની પુલ-એની છેલ્લી મૅચ બીજી ઑક્ટોબરે બંગલાદેશ સામે રમશે.
ફુટબૉલમાં પણ પાકિસ્તાનને આપી મહાત
નેપાલના દશરથ સ્ટેડિયમમાં ગઈ કાલે ધ સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ) ચૅમ્પિયનશિપની અન્ડર-૧૯ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનની ટીમને ૩-૦થી હરાવ્યું હતું. કિપગેન અને ગોયારીએ ભારત તરફથી ગોલ કર્યા હતા. ભારતનું આ આઠમું ટાઇટલ છે.


