ગંભીરે શ્રીસાન્તને ‘ફિક્સર’ કહ્યો અને શ્રીસાન્તે તેને ‘ઝઘડાખોર’ તરીકે ઓળખાવ્યો
એસ શ્રીસંથ , ગૌતમ ગંભીર
૨૦૧૩ની આઇપીએલમાં સ્પૉટ-ફિક્સિંગ કાંડમાં સંડોવણી બદલ રાજસ્થાન રૉયલ્સના ત્રણ ખેલાડીના રમવા પર પ્રતિબંધ મુકાયો હતો અને એમાંનો એક એસ. શ્રીસાન્ત પણ હતો, પરંતુ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે શ્રીસાન્ત પરનો બૅન હટાવી લીધો હતો જેને પગલે બીસીસીઆઇએ શ્રીસાન્ત પરનો આજીવન પ્રતિબંધ ઘટાડીને ૭ વર્ષનો કરી નાખ્યો હતો જે સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂરો થઈ ગયો હતો. જોકે શ્રીસાન્તનું નામ ફિક્સિંગના આરોપસર ખરડાયું તો હતું જ અને એની લેટેસ્ટ અસર ગઈ કાલે સુરતમાં જોવા મળી હતી.૨૦૦૮ની પ્રથમ આઇપીએલમાં ઉશ્કેરણીજનક કમેન્ટ અને દલીલ કરવાને પગલે હરભજન સિંહનો લાફો ખાનાર શ્રીસાન્ત અને ભારતીય ટીમના તેના જ ભૂતપૂર્વ સાથી-ખેલાડી ગૌતમ ગંભીર વચ્ચે સુરતમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની મૅચ દરમ્યાન દલીલબાજી થઈ હતી જેમાં ગંભીરે તેને ‘ફિક્સર’ કહ્યો હોવાનો આક્ષેપ શ્રીસાન્તે કર્યો હતો.
એલએલસી ટી૨૦ ટુર્નામેન્ટમાં ગંભીર ઇન્ડિયા કૅપિટલ્સનો કૅપ્ટન છે, જ્યારે શ્રીસાન્ત ગુજરાત જાયન્ટ્સ વતી રમે છે.શ્રીસાન્તે બે વિડિયોમાં ગંભીર સામે કયા આક્ષેપ કર્યા? એલએલસીમાં પ્લે-ઑફની એલિમિનેટરમાં ગંભીરની ઇન્ડિયા કૅપિટલ્સે પાર્થિવ પટેલની ગુજરાત જાયન્ટ્સ ટીમને ૧૨ રનથી હરાવી દીધી હતી. ગંભીરે ૫૧ રન બનાવ્યા હતા, જ્યારે શ્રીસાન્તને એક જ વિકેટ મળી હતી. શ્રીસાન્તે ઇન્સ્ટાગ્રામ પર બુધવારે પોસ્ટ કરેલા પ્રથમ વિડિયોમાં ગંભીર સામેના આક્ષેપમાં કહ્યું હતું કે ‘મેં કોઈ ઉશ્કેરણી નહોતી કરી છતાં તે તોછડાઈથી મને બોલતો રહ્યો હતો. તેણે મને એવું નહોતું કહેવું જોઈતું. મારો કોઈ વાંક હતો જ નહીં. ક્રિકેટના મેદાન પર આવી રીતે કોઈને બોલાય જ નહીં.’ જોકે ગઈ કાલે શ્રીસાન્તે બીજા વિડિયોમાં ઝઘડા વિશે વધુ ફોડ પાડતાં કહ્યું હતું કે ‘મેં તો એકેય ખરાબ શબ્દ નહોતો ઉચ્ચાર્યો છતાં પિચ પર ઑન લાઇવ ટીવી પર ગંભીર મને ફિક્સર... ફિક્સર... ફિક્સર કહેતો રહ્યો હતો. હું તો તેની સામે કટાક્ષમાં હસતો રહ્યો હતો. એક વાર તો તેણે મને f*** off fixer એવું કહ્યું હતું. હું તેનાથી દૂર જતો રહ્યો તો પણ તે મને ઉશ્કેરતો રહ્યો હતો. મને થયું કે એવું તે વળી શું થયું કે તે વારંવાર મને આવું કહેતો રહ્યો. મિસ્ટર ફાઇટર (ઝઘડાખોર) સાથે જેકંઈ બન્યું એ વિશે હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે તે હંમેશાં તેના બધા સાથી-ખેલાડીઓ સાથે ઝઘડતો રહે છે અને એ પણ કારણ વગર. તે વીરુભાઈ સહિતના તેના સિનિયર ખેલાડીઓનું પણ માન રાખવામાં નથી માનતો. ઘણી વાર લાઇવ બ્રૉડકાસ્ટિંગમાં પણ ગંભીરને જો વિરાટ વિશે પૂછવામાં આવે તો તે તેના વિશે બોલવાને બદલે કંઈક ભલતું જ બોલતો હોય છે. હું વધુ એટલું જ કહીશ કે મને ગંભીરના વર્તનથી દુ:ખ થયું છે તેમ જ મારા પરિવારજનો અને મિત્રોને પણ આઘાત લાગ્યો છે.’ ગંભીરે આ બનાવ વિશેની સોશ્યલ મીડિયામાંની પ્રતિક્રિયામાં ફક્ત એટલું જ કહ્યું હતું કે ‘આખી દુનિયાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત હોય ત્યારે માત્ર સ્માઇલ કરી દેવાનું.’
ADVERTISEMENT
લેજન્ડ્સ લીગના આયોજકો બનાવની તપાસ કરશે
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ના આયોજકાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘લેજન્ડ્સ ખેલાડીઓ વચ્ચેની આ લીગનો દરેક પ્લેયર તેમને જણાવેલા નિયમોને પાળવા બંધાયેલા છે. આચરસંહિતાની બાબતમાં જો કોઈ નિયમ કે કાનૂનનો ભંગ થયો હશે તો જરૂરી પગલાં ભરવામાં આવશે.’
શ્રીસાન્તની પત્નીનો ગંભીરને કટાક્ષ : ‘જ્યાં અને જેવો ઉછેર થયો હોય એનું જ આ પરિણામ છે’

શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ તેના પતિ પ્રત્યેના ગૌતમ ગંભીરના વર્તન વિશે ઇન્સ્ટાગ્રામ પરની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ‘શ્રીની વાતો સાંભળીને મને ખૂબ આઘાત લાગ્યો છે. તેની સાથે ભારત વતી વર્ષો સુધી રમેલો ખેલાડી (ગૌતમ ગંભીર) આટલી નીચી પાયરીએ ઊતરી શકે એ શૉકિંગ કહેવાય અને એ પણ રિટાયરમેન્ટ પછીનાં વર્ષો બાદ! મને તો લાગે છે કે જ્યાં અને જેવો ઉછેર થયો હોય એનું જ આ પરિણામ છે. ખરેખર બહુ શૉકિંગ કહેવાય.’
સુરેશ રૈનાની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી ગઈ
લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં સુરેશ રૈનાના સુકાનમાં અર્બનરાઇઝર્સ હૈદરાબાદ નામની ટીમ શનિવારે (આવતી કાલે) સુરતમાં રમાનારી ફાઇનલમાં પહોંચી ગઈ છે. મંગળવારે આ ટીમે ક્વૉલિફાયર-વનમાં મોહમ્મદ કૈફની મણિપાલ ટાઇગર્સ ટીમને ૭૫ રનથી હરાવીને ફાઇનલમાં સીધી એન્ટ્રી કરી લીધી હતી. ડ્વેઇન સ્મિથ (૧૨૦ રન, ૫૩ બૉલ, સાત સિક્સર, ૧૪ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. મણિપાલ ટાઇગર્સની ટીમ ઍન્જેલો પરેરાના ૭૩ રન છતાં ૧૬.૩ ઓવરમાં ૧૭૮ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.


