વિશ્વસ્પર્ધામાં શ્રીકાંત હાર્યો, પણ લક્ષ્ય પ્રી-ક્વૉર્ટરમાં પહોંચ્યો

એચ. એસ. પ્રણોય
ટોક્યોની બૅડ્મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે વિશ્વના ૧૮મા રૅન્કના એચ. એસ. પ્રણોયે બે વખત આ સ્પર્ધા જીતી ચૂકેલા વર્લ્ડ નંબર-ટૂ ખેલાડી કેન્તો મોમોતાને આંચકો આપ્યો હતો. પ્રણોયે યજમાન જપાનના આ સુપરસ્ટારને માત્ર ૫૪ મિનિટમાં ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મોમોતા સામે પ્રણોય પહેલી વખત જીત્યો છે. મોમોતા સામે પ્રણોય અગાઉ જે સાત મૅચ રમ્યો હતો એમાં ફક્ત એક જ ગેમ જીત્યો હતો, પરંતુ ગઈ કાલે પ્રણોય જબરદસ્ત તૈયારી સાથે આવ્યો હતો, બહુ સારા ફૉર્મમાં હતો અને તેણે મોમોતાની નબળાઈઓ પર બરાબર ધ્યાન આપીને તેને સળંગ ગેમમાં હરાવ્યો હતો.
ગયા વર્ષનો રનર-અપ કિદામ્બી શ્રીકાંત હારી ગયો હતો, પણ તાજેતરની કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન લક્ષ્ય સેન પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.
શ્રીકાંત ચીનના ઝાઓ જુન પેન્ગ સામે ૧૮-૨૧, ૧૭-૨૧થી હારી ગયો હતો. લક્ષ્યએ સ્પેનના લુઇસ પેનલવેરને ૭૨ મિનિટ સુધી ચાલેલી મૅચમાં ૨૧-૧૭, ૨૧-૧૦થી હરાવ્યો હતો.પુરુષોની ડબલ્સમાં એમ. આર. અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીનો પણ પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ થયો હતો, પરંતુ મહિલાઓમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડીએ પરાજય જોવો પડ્યો હતો.