૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ અને લૉન્ગ જમ્પમાં મળ્યા કુલ ત્રણ મેડલ : ૪X૪૦૦ મિક્સ્ડ રિલેમાં ભારતીયોનો બ્રૉન્ઝ ફેરવાયો સિલ્વરમાં
પારુલ-પ્રીતિ
ચીનની એશિયન ગેમ્સમાં ગઈ કાલે ખાસ કરીને ઍથ્લેટિક્સમાં ભારતીય મહિલાઓ છવાઈ ગઈ હતી. વિમેન્સ ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં પારુલ ચૌધરી સિલ્વર મેડલ અને પ્રીતિ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. લાંબા કૂદકાની હરીફાઈમાં ભારતની ઍન્સી સોજન મેડલ જીતવા માટે ફેવરિટ નહોતી, પરંતુ તેણે સિલ્વર જીતીને હરીફોને ચોંકાવી દીધા હતા.
૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં પારુલ ચૌધરી ૯ઃ૨૭.૬૩ સેકન્ડના ટાઇમિંગ સાથે બીજા નંબરે આવી હતી અને પ્રીતિ (૯ઃ૪૩.૩૨)એ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. બાહરિનની યાવી મ્યુટાઇલ (૯ઃ૧૮.૨૮) એશિયન ગેમ્સના નવા વિક્રમ સાથે ગોલ્ડ જીતી હતી.
ADVERTISEMENT
લૉન્ગ જમ્પમાં ભારતની શાઇલી સિંહ ૬.૪૮ મીટર લાંબા કૂદકા સાથે છેક પાંચમા નંબરે રહી હતી, પરંતુ ઍન્સી સોજને ૬.૬૩ મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ જીતી હતી. ગોલ્ડ મેડલ જીતનાર ચીનની શિકી શિઑન્ગ (૬.૭૩ મીટર)થી તે બહુ પાછળ નહોતી. વિયેટનામની ઍન્ગા યૅન યુઇ (૬.૫૦ મીટર) બ્રૉન્ઝ જીતી હતી.
મિક્સ્ડ ટીમ ૪X૪૦૦ મીટર રિલેમાં ભારતના ચાર ઍથ્લીટની ટીમ ફાઇનલમાં ત્રીજા નંબર પર આવતાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી, પરંતુ બીજા નંબરે આવીને સિલ્વર મેળવનાર શ્રીલંકાની ટીમે રેસ દરમ્યાન પોતાની લાઇન તોડી હોવાથી એને ડિસ્ક્વૉલિફાય કરવામાં આવી હતી, જેને પગલે ભારતીય ટીમ ખુશખુશાલ થઈ ગઈ હતી, કારણ કે તેમનો બ્રૉન્ઝ ત્યારે સિલ્વરમાં ફેરવાઈ ગયો હતો. શ્રીલંકન ટીમના ૩ઃ૧૪.૨૫ સેકન્ડના ટાઇમિંગ સામે ભારતીય ટીમનું ટાઇમિંગ ૩.૧૪.૩૪ સેકન્ડ હતું. એ જોતાં શ્રીલંકનોથી ભારત પાછળ હતું, પરંતુ શ્રીલંકાની ટીમ ગેરલાયક ઠરતાં ભારતને રજતચંદ્રક મળ્યો હતો. બાહરિનની ટીમ ગોલ્ડ જીતી હતી, જ્યારે ચોથા નંબરે આવનાર કઝાખસ્તાનની ટીમને બ્રૉન્ઝ અપાયો હતો. ભારતીય ટીમમાં મુહમ્મદ અજમલ વરિયાથોડી, વિથ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેન્કટેશનનો સમાવેશ હતો.