૨૯ વર્ષ મોટા ગ્રાન્ડમાસ્ટરને હરાવીને ૮ વર્ષના અશ્વથે બનાવ્યો રેકૉર્ડ
અશ્વથ કૌશિક
૨૦૨૨માં અન્ડર-8 ચેસ ક્લાસિક, રૅપિડ અને બ્લિટ્ઝ ત્રણેય વર્ગમાં ભૂતપૂર્વ એશિયા યુથ ચૅમ્પિયન બનનાર અશ્વથ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના અશ્વથે ૮ વર્ષની ઉંમરે ૨૯ વર્ષ મોટા ગ્રાન્ડમાસ્ટરને હરાવીને રેકૉર્ડ કર્યો છે. બર્ગડોર્ફર સ્ટેડથોસ ઓપન ચેસ ટુર્નામેન્ટમાં પોલૅન્ડના ૩૭ વર્ષના ગ્રાન્ડમાસ્ટર જાસેક સ્ટોપાને હરાવીને સૌથી નાની ઉંમરમાં કોઈ ગ્રાન્ડમાસ્ટર સામે આ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી બન્યો છે. અશ્વથનું વર્તમાન ફાસડ રૅન્કિંગ્સ ૩૭,૩૩૮ છે. તે ભારતીય નાગરિક છે અને ૨૦૧૭માં ભારતથી સિંગાપોર આવ્યો હતો. અશ્વથે જણાવ્યું કે હું જે રીતે રમ્યો એના પર મને ગર્વ છે. ખાસ કરીને એક સમયે હું ખૂબ ખરાબ સ્થિતિમાં હતો અને ત્યાંથી મેં વાપસી કરી હતી. અશ્વથનું આગળનું લક્ષ્ય તેનું રેટિંગ સુધારવાનું અને કૅન્ડિડેટ માસ્ટર્સ ટાઇટલ જીતવાનું છે.

