પાંચમા દિવસે ૧૩ મિનિટમાં ૨.૩ ઓવરમાં બે વિકેટ લઈ અફઘાનીઓએ બીજી ટેસ્ટ ૭૨ રનથી જીતી
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે અફઘાનિસ્તાનની ટીમ.
ગઈ કાલે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ-મૅચની પાંચમા દિવસની રમત માત્ર ૧૩ મિનિટની અંદર સમાપ્ત થઈ ગઈ હતી. જીત માટે અફઘાનિસ્તાનને બે વિકેટ અને ઝિમ્બાબ્વેને ૭૩ રનની જરૂર હતી, પણ ઝિમ્બાબ્વેએ ૨.૩ ઓવરમાં જ અંતિમ બે વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાને બીજી ટેસ્ટ ૭૨ રને જીતીને બે મૅચની ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતી છે. પહેલી મૅચ હાઈ સ્કોરિંગ હોવા છતાં ડ્રૉ રહી હતી.
જીતવા માટેના ૨૭૮ રનના ટાર્ગેટનો પીછો કરતાં યજમાન ટીમે ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૨૦૫/૮ના સ્કોરથી શરૂઆત કરી અને અંત ૨૦૫/૧૦ના સ્કોરથી કર્યો હતો. અફઘાનિસ્તાને આ મૅચમાં ૧૫૭ અને ૩૬૩ રનનો સ્કોર કર્યો હતો, જ્યારે ઝિમ્બાબ્વેનો સ્કોર ૨૪૩ અને ૨૦૫ રનનો રહ્યો હતો. સ્ટાર ઑલરાઉન્ડર રાશિદ ખાન પચીસ રન અને ૧૧ વિકેટ સાથે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો, જ્યારે મિડલ ઑર્ડર બૅટર રહેમત શાહ ૩૯૨ રન ફટકારીને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.
ADVERTISEMENT
બન્ને દેશ વચ્ચે પહેલી વાર ૨૦૨૦-’૨૧માં UAEમાં બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી જે ૧-૧થી ડ્રૉ રહી હતી. બન્ને દેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં પહેલી વાર રિઝલ્ટ મળ્યું છે અને અફઘાનિસ્તાને બાજી મારી છે. એશિયાની બહાર અફઘાનીઓની આ પહેલી ટેસ્ટ સિરીઝ હતી. એશિયાની બહાર પહેલી જ ટેસ્ટ-સિરીઝમાં જીત મેળવનાર પહેલી એશિયન ટીમ પણ બની છે.

