ઑલિમ્પિક ટિકિટ માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમે સતત બે જીત મેળવવી પડશે.
શ્રીજા મારિયા, મનિકા
વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચૅમ્પિયનશિપના ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે જીત મેળવીને નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે સ્પેન સામે ૩-૨થી અને પુરુષ ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૦થી જીત મેળવી હતી. ભારતીય મહિલા ટીમનો સામનો સ્પેનની મજબૂત ટીમ સામે હતો. પ્રથમ સિંગલ્સ મૅચમાં ભારતની શ્રીજા મારિયા જિયાઓ સામે હારી, બીજી સિંગલ્સમાં મનિકાએ સોફિયા જુઆન ઝાંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી સિંગલ્સ મૅચમાં અયહિકાએ એલ્વિરા રેડને હરાવીને ભારતીય ટીમની વાપસી કરાવી હતી. ચોથી સિંગલ્સ મૅચમાં મનિકાએ મારિયાને સતત ત્રણ સેટમાં હરાવીને સ્કોર ૨-૨થી બરાબર કર્યો હતો. નિર્ણાયક મૅચમાં શ્રીજાએ ઝાંગ સામે જીત મેળવીને ભારતીય ટીમની જીત ૩-૨ની નિશ્ચિત કરી હતી.
ગ્રુપ-સ્ટેજની ચારમાંથી ત્રણ મૅચ જીતીને ભારતીય મહિલા ટીમ ગ્રુપ-પૉઇન્ટ ટેબલમાં ચીન બાદ બીજા સ્થાને રહ્યું.ભારતીય પુરુષ ટીમે અંતિમ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે સતત ત્રણ મૅચ જીતીને નૉકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. સુરતના હરમીત દેસાઈએ શરૂઆતમાં ૧૧-૫, ૧૧-૧, ૧૧-૬થી જીત મેળવી હતી. સાથિયાન અને માનુષ શાહે શાનદાર પ્રદર્શન કરીને ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૦થી જીત મેળવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પુરુષ ગ્રુપમાં ભારતીય ટીમ સાઉથ કોરિયા અને પોલૅન્ડ બાદ ત્રીજા સ્થાને છે. નૉકઆઉટ રાઉન્ડમાં ૪૦માંથી ૩૨ ટીમે ભાગ લીધો છે. વર્લ્ડ ટેબલ ટેનિસ ટીમ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમ પૅરિસ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થશે. ઑલિમ્પિક ટિકિટ માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમે સતત બે જીત મેળવવી પડશે.