Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > છેલ્લી વન-ડેમાં કુલદીપ અને અર્શદીપને મળશે તક?

છેલ્લી વન-ડેમાં કુલદીપ અને અર્શદીપને મળશે તક?

15 January, 2023 08:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે તિરુવનંતપુરમમાં શ્રીલંકા સામે ત્રીજી વન-ડે : સિરીઝ જીતેલું ભારત બોલિંગના વિકલ્પને ચકાસશે

છેલ્લી વન-ડેમાં કુલદીપ અને અર્શદીપને મળશે તક?

છેલ્લી વન-ડેમાં કુલદીપ અને અર્શદીપને મળશે તક?


ભારતીય ટીમ આજે તિરુવનંતપુરમમાં ત્રીજી અને છેલ્લી વન-ડેમાં જીત મેળવીને ક્લીન સ્વીપ કરવા માગશે, જેથી કૅપ્ટન રોહિત શર્મા બૅ​ટિંગ લાઇનઅપમાં કોઈ છેડછાડ નહીં કરે, પરંતુ બોલિંગમાં નવા વિકલ્પો ચકાસવા માગશે. ભારતે ગુવાહાટીમાં આસાન વિજય મેળવ્યા બાદ કલકત્તામાં ટૉપ ઑર્ડરના ધબડકા બાદ લક્ષ્યાંકનો પીછો કરીને સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. હવે ખેલાડીઓ છેલ્લી મૅચમાં પણ આ પ્રદર્શનને યથાવત્ રાખવા માગે છે. ટીમ આ મૅચ પૂરી થયાના ૭૨ કલાક કરતાં ઓછા સમયમાં મજબૂત હરીફ ન્યુ ઝીલૅન્ડ સામે ટકરાશે. શ્રીલંકા સામેની સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપથી ખેલાડીઓમાં આગામી સિરીઝ માટે આત્મવિશ્વાસમાં વધારો થશે.

વર્કલોડ મૅનેજમેન્ટના પોતાના લાભ પણ છે, પરંતુ એમાં કેટલીક ખામી પણ છે. ખેલાડીઓને અમુક સમય માટે આરામ આપવાને કારણે તે લય મેળવી શકતો નથી. આ જ કારણ છે કે ભારતીય કૅપ્ટન છેલ્લી મૅચમાં ટૉપ ઑર્ડરમાં ઈશાન કિશન કે પછી મિડલ ઑર્ડરમાં સૂર્યકુમાર યાદવને રમાડવા નથી માગતો. તમામ ટોચના પાંચ બૅટરો તિરુવનંતપુરમના સ્ટેડિયમમાં શ્રીલંકાના આક્રમણ સામે વધુ સમય બૅ​ટિંગ કરવા માગશે, જેમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ છે.



બોલિંગ લાઇનઅપમાં કેટલાક ફેરબદલ થયા છે. ભારતીય ટીમ ૧૪ દિવસની અંદર ૫૦ ઓવરની ૬ મૅચ રમશે, તો મોહમ્મદ શમીનો વર્કલોડ ભારતીય ટીમ-મૅનેજમેન્ટ માટે ચિંતાનો વિષય હશે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમી બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ભારતીય આક્રમણની જવાબદારી સંભાળશે, એથી એના વર્કલોડનું સૌથી વધારે ધ્યાન રાખવું પડશે. જો તે ફિટ રહેશે તો તેણે ચાર ટેસ્ટમાં ૧૨૫થી ૧૩૦ ઓવર બોલિંગ કરવી પડશે. લેફ્ટી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને વિવિધતા માટે તક મળી શકે છે, કારણ કે તેને ગેમ ટાઇમની જરૂર છે. જો પિચ અનુકૂળ રહે તો અર્શદીપ ઘણો લાભદાયક થઈ શકે છે. કુલદીપ યાદવ ફરીથી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે, જેને ઈજાગ્રસ્ત યુઝવેન્દ્ર ચહલની બદલે રમાડવામાં આવ્યો હતો. જો તે ફિટ થઈ જાય તો કૅપ્ટન અને કોચ શું નિર્ણય લેશે એ જોવું રહ્યું. બૅટિંગમાં શુભમન ગિલે પણ પોતાના લયને યથાવત્ રાખવી પડશે, કારણ કે તેને ખબર છે કે ઈશાન કિશન ઇનિંગ્સની શરૂઆત માટે મજબૂત દાવેદાર છે.


શ્રીલંકાની ટીમની વાત કરીએ તો ૫૦ ઓવરની સિરીઝમાં ઓપનર નુઆનિદુ ફર્નાન્ડો જેવો શાનદાર ખેલાડી મળ્યો હતો, જેણે પહેલી જ મૅચમાં હાફ-સેન્ચુરી ફટકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 08:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK