અમેરિકાએ બંગલાદેશ સામે અને વેસ્ટ ઇન્ડીઝે સાઉથ આફ્રિકા સામે જીતી T20 સિરીઝ
વિજેતા ટીમ
આવતા મહિનાથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થશે. એ પહેલાં જ બન્ને દેશની ક્રિકેટ ટીમે શક્તિપ્રદર્શન કરીને તમામ ટીમને સંદેશો આપ્યો છે કે અમને હલકામાં લેવાનો પ્રયાસ ન કરતા. અમેરિકાની ટીમ બંગલાદેશ સામે અંતિમ T20 હારી ગઈ, પણ ૩ મૅચની સિરીઝમાં ૨-૧થી જીત મેળવી હતી. બીજી તરફ વર્લ્ડ કપ ટીમના કૅપ્ટન રોવમન પોવેલની ગેરહાજરીમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે સાઉથ આફ્રિકા સામે ૩ મૅચની સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. T20 રૅન્કિંગમાં અમેરિકાની ટીમ અઢારમા ક્રમે અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ચોથા ક્રમે છે.
બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને અમેરિકા સામેની અંતિમ મૅચમાં ૪ ઓવરમાં ૧ મેઇડન ઓવર સાથે માત્ર ૧૦ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૨માં બંગલાદેશી બોલર ઇલ્યાસ શનીએ ડેબ્યુ મૅચમાં આયરલૅન્ડ સામે ૧૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેને પછાડીને મુસ્તફિઝુર રહેમાને ટીમ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૬ વિકેટ લેનાર પ્રથમ બંગલાદેશી બોલર પણ બન્યો હતો.

