મુંબઈને પહોંચાડ્યું ફાઇનલમાંઃ પેસ બોલરે પોતાના જ દેશની એકલ્સ્ટનને હૅટ-ટ્રિક બૉલમાં આઉટ કરી : રવિવારે બ્રેબર્નમાં દિલ્હી સાથે જામશે જોરદાર જંગ

ઇસ્સી વૉન્ગ. તસવીર: wpl.com
મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની સેમી ફાઇનલ સમાન એલિમિનેટરમાં યુપી વૉરિયર્ઝને ૭૨ રનથી હરાવીને રવિવારની ફાઇનલ (સાંજે ૭.૩૦ વાગ્યાથી)માં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ સાથે થશે. યુપીની ટીમ ૧૮૩ રનના ટાર્ગેટ સામે ૧૭.૪ ઓવરમાં ૧૧૦ રન બનાવી શકી હતી. મુંબઈની ટૅલન્ટેડ બ્રિટિશ પેસ બોલર ઇસ્સી વૉન્ગે (૪-૦-૧૫-૪) ડબ્લ્યુપીએલમાં નવો ઇતિહાસ રચ્યો હતો. તે આ સ્પર્ધામાં હૅટ-ટ્રિક લેનારી પહેલી ખેલાડી બની હતી. તેણે સતત ત્રણ બૉલમાં કિરણ નવગિરે (૪૩ રન, ૨૭ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને સિમરન શેખ (૦)ને તેમ જ ઇંગ્લૅન્ડની સૉફી એકલ્સ્ટન (૦)ની વિકેટ લીધી હતી. તેણે સિમરન અને એકલ્સ્ટનને ક્લીન બોલ્ડ કરી હતી. સાઇકા ઇશાકે બે વિકેટ લીધી હતી.
હીલી આઉટ, પતિ સ્ટાર્ક નિરાશ
ADVERTISEMENT
યુપીની કૅપ્ટન અલીઝા હીલી (૧૧ રન) સદંતર ફ્લૉપ રહી હતી અને તે ઇસ્સી વૉન્ગના બૉલમાં હરીફ કૅપ્ટન હરમનપ્રીત કૌરના હાથમાં કૅચઆઉટ થતાં વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલો તેનો પતિ અને ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક નિરાશ થઈ ગયો હતો.
મુંબઈની નૅટના અણનમ ૭૨ રન
મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા પછી યાસ્તિકા ભાટિયા (૨૧ રન)ની વિકેટ વહેલી ગુમાવ્યા પછી ચાર ભાગીદારીઓની મદદથી ૪ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. નૅટ સિવર-બ્રન્ટ (૭૨ અણનમ, ૩૮ બૉલ, બે સિક્સર, નવ ફોર) સ્ટાર-બૅટર હતી. હૅલી મૅથ્યુઝે ૨૬ રન, કૅપ્ટન હરમનપ્રીતે ૧૪ રન, અમેલી કેરે ૨૯ રન અને પૂજા વસ્ત્રાકરે અણનમ ૧૧ રન બનાવ્યા હતા. યુપીની સૉફી એકલ્સ્ટને બે વિકેટ તેમ જ અંજલિ સરવાની અને પાર્શ્વી ચોપડાએ એક-એક વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માને ૩૯ રનમાં વિકેટ નહોતી મળી.

