આ સીઝનમાં ત્રીજી વખત અને પ્લેઑફમાં બૅક-ટુ-બૅક નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો...
વૈભવ સૂર્યવંશી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ગઈ કાલે રાજસ્થાનનો ઓપનર વૈભવ સૂર્યવંશી ૪૭ બૉલમાં ૯૬ રનના સ્કોર પર કૅચઆઉટ થયો હતો. કૅગિસો રબાડાની ઓવરમાં તે થર્ડમૅન પર પ્રસિદ્ધ ક્રિષ્નાના હાથે કૅચઆઉટ થયો હતો. એલિમિનેટર મૅચમાં તે આ જ પોઝિશનના ફીલ્ડરના હાથે ૯૭ રને કૅચઆઉટ થયો હતો. અગાઉ આ સીઝનમાં તે લખનઉ સામે ૩૮ બૉલમાં ૯૩ રન કરીને કૅચઆઉટ થયો હતો.
એક સીઝનમાં સૌથી વધુ ત્રણ વખત નર્વસ નાઇન્ટીના શિકાર બનવાના મામલે વૈભવ સૂર્યવંશીએ ગ્લેન મૅક્સવેલના ૨૦૧૪ના રેકૉર્ડની બરાબરી કરી હતી. IPL ઇતિહાસમાં ડેવિડ વૉર્નર, કે.એલ. રાહુલ અને ઋતુરાજ ગાયકવાડ પણ સૌથી વધુ ત્રણ વખત નર્વસ નાઇન્ટીના શિકાર બનીને સદી ચૂક્યા છે.
IPLમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર ૪૪૦ બૉલમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. અગાઉ આન્દ્રે રસેલે ૫૩૫ બૉલમાં આ કમાલ કરી હતી. ભારતીય તરીકે વીરેન્દર સહેવાગે ૬૦૪ બૉલમાં આટલા રન પૂરા કર્યા હતા. શૉન માર્શે ૨૧ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૦૦૦ IPL રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ આ મામલે બીજા ક્રમે લેન્ડલ સિમન્સના ૨૩ ઇનિંગ્સના રેકૉર્ડની બરાબરી કરી હતી.
ગઈ કાલે તેણે ૩૦ બૉલમાં પોતાની સૌથી ધીમી IPL ફિફ્ટી નોંધાવી હતી. ગઈ કાલે તે મૅચમાં પોતાના સૌથી વધુ બૉલ રમ્યો હતો. T20 કરીઅરની ૩૪ મૅચોમાં પહેલી વખત વૈભવ સૂર્યવંશીએ પાંચ અલગ-અલગ ખેલાડીઓ સાથે મૅચમાં ભાગીદારી પણ કરી હતી.
વૈભવ સૂર્યવંશીનું IPL પ્રદર્શન
મૅચ - ૨૩
રન - ૧૦૨૮
ઍવરેજ - ૪૪.૬૯
સ્ટ્રાઇક-રેટ - ૨૨૮.૯૫
ફિફ્ટી - ૬
સેન્ચુરી - ૨
ફોર - ૮૧
સિક્સ - ૯૬
135: એક IPL સીઝનમાં હાઇએસ્ટ આટલી બાઉન્ડરી ફટકારી વૈભવ સૂર્યવંશીએ. જૉસ બટલરનો ૨૦૨૨નો ૧૨૮ બાઉન્ડરીનો રેકૉર્ડ તોડ્યો.
500: એક IPL સીઝનમાં પાવરપ્લેમાં આટલા રન કરનાર પહેલો બૅટર બન્યો વૈભવ સૂર્યવંશી (૫૨૧ રન).
