પ્લૅયર ઑફ ધ મૅચ મોનાંકે શાનદાર ૫૦ રન ફટકાર્યા : સુપર ઓવરમાં અમેરિકાના ૧૮ રન સામે પાકિસ્તાન માત્ર ૧૩ રન કરી શક્યું
મોનાંક પટેલ
T20 વર્લ્ડ કપમાં ગુરુવારે અત્યંત રોમાંચક મૅચમાં નવા ખેલાડીઓથી બનેલી અમેરિકાની ટીમે સુપર ઓવરમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન પાકિસ્તાનને હરાવ્યું હતું. ટૉસ જીત્યા બાદ અમેરિકાએ ફીલ્ડિંગ પસંદ કરી હતી. શરૂઆતના ૩૦ રનમાં જ પાકિસ્તાનની ત્રણ વિકેટ ખરી પડી હતી. એ પછી ૨૦ ઓવરમાં પાકિસ્તાને ૭ વિકેટના નુકસાને ૧૫૯ રન બનાવ્યા હતા.
અમેરિકાએ ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકસાને ૧૫૯ રન કર્યા હતા. મૂળ અમદાવાદના કૅપ્ટન મોનાંક પટેલે ૩૮ બૉલમાં ૫૦ રન કર્યા હતા તો એન્ડ્રિસ ગૉસ ૨૬ બૉલમાં ૩૬ રન કરીને અણનમ રહ્યો હતો. મૅચ સુપર ઓવરમાં પ્રવેશ્યા બાદ પાકિસ્તાનના મોહમ્મદ આમિરની એક ઓવરમાં અમેરિકાએ ૧૮ રન ફટકાર્યા હતા, જેમાં એક્સ્ટ્રાના ૮ રન હતા. એ પછી પાકિસ્તાનના ટર્ન વખતે અમેરિકાના સૌરભ નેત્રાવળકરની ચુસ્ત બોલિંગને લીધે પાકિસ્તાન માત્ર ૧૩ રન કરી શક્યું હતું. આ જીત સાથે અમેરિકા ગ્રુપ-Aમાં ટોચના સ્થાને પહોંચ્યું છે. અગાઉ અમેરિકાએ કૅનેડાને ૭ વિકેટે હરાવ્યું હતું.

