પાકિસ્તાની મૂળના કૅનેડિયન કૅપ્ટન સાદ બિન ઝફરના નેતૃત્વમાં કૅનેડાની ક્રિકેટ ટીમે પાંચ વિકેટ ગુમાવીને ૧૯૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે ૬ વાગ્યે અમેરિકા અને કૅનેડાની ક્રિકેટ ટીમની ડેબ્યુ મૅચથી T20 વર્લ્ડ કપ 2024ની શાનદાર શરૂઆત થઈ હતી. ભારતીય મૂળના અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પાકિસ્તાની મૂળના કૅનેડિયન કૅપ્ટન સાદ બિન ઝફરના નેતૃત્વમાં કૅનેડાની ક્રિકેટ ટીમે પાંચ વિકેટ ગુમાવીને ૧૯૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબમાં જન્મેલા નવનીત સિંહ ધાલીવાલે કૅનેડા તરફથી રમતાં ૬૧ રનની ઇનિંગ્સ રમીને T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ ફિફ્ટી નોંધાવી હતી. નિકોલસ કિર્ટને ૫૧ રનની ઇનિંગ્સ રમીને કૅનેડાને સન્માનજનક સ્કોર અપાવવામાં મદદ કરી હતી. અમેરિકા તરફથી વાઇસ કૅપ્ટન ઍરોન જૉન્સ (૯૪ રન) અને સાઉથ આક્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડ્રિસ ગૌસ (૬૫ રન)એ ૧૩૧ રનની રેકૉર્ડતોડ પાર્ટનરશિપ કરીને ટીમને ૧૪ બૉલ પહેલાં ૭ વિકેટે જીત અપાવી હતી.
ADVERTISEMENT
એક મૅચમાં કુલ ૧૦ દેશના ખેલાડી રમ્યા
અમેરિકાની ટીમમાં હાજર ૧૧ ખેલાડીઓનો જન્મ પાંચ અલગ-અલગ દેશમાં થયો હતો, પરંતુ હવે તેઓ આ દેશ માટે ક્રિકેટ રમે છે. આ ટીમમાં અમેરિકા અને ભારતના ૩-૩ ખેલાડીઓ, સાઉથ આફ્રિકાના બે ખેલાડીઓ, જ્યારે પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ અને કૅનેડાના એક-એક ખેલાડીએ ભાગ લીધો હતો. કૅનેડાની ટીમમાં ભારત અને પાકિસ્તાનના કુલ ચાર ખેલાડી અને ગુયાના, બાર્બાડોસ, જમૈકા અને કુવૈતના એક-એક ખેલાડી રમી રહ્યા હતા. આ રીતે ૧૦ દેશના ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મૅચ રમી હતી.

