પહેલી T20 મૅચમાં બાબર આઝમની ટીમ પરાસ્ત, આ અગાઉ ૧૭ વર્ષ પહેલાં પાકિસ્તાનને હરાવ્યું હતું આયરલૅન્ડે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શુક્રવારે આયરલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પહેલી T20 મૅચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડબલિનમાં રમાયેલી આ મૅચમાં પાકિસ્તાને પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવ્યા હતા. ઓપનર એન્ડ્રુ બાલ્બિર્નીની ૭૭ રનની ઇનિંગ્સની મદદથી આયરલૅન્ડે ૧ બૉલ પહેલાં જ ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આયરલૅન્ડની ટીમ છેલ્લે ૧૭ વર્ષ પહેલાં ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ૩ વિકેટથી પહેલી વાર જીતી હતી. બન્ને ટીમ વચ્ચે એકમાત્ર T20 મૅચ ૨૦૦૯ વર્લ્ડ કપમાં રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ૩૫ રનથી જીત મેળવી હતી.
\૫૭ રનની ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીના રેકૉર્ડની બરાબરી કરી છે. તેણે ૧૦૮ T20 ઇનિંગ્સમાં ૩૮ વખત ૫૦ પ્લસનો સ્કોર કર્યો છે, જ્યારે વિરાટ કોહલીએ ૧૦૯ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. પાકિસ્તાની ટીમ માટે ૭૭મી T20માં કૅપ્ટન્સી કરનાર બાબર આઝમ T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ મૅચમાં કૅપ્ટન્સી કરનાર કૅપ્ટન બની ગયો છે. આ પહેલાં આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ઍરોન ફિન્ચ (૭૬ મૅચ)ના નામે હતો. આયરલૅન્ડ સામેની ૩ મૅચની T20 સિરીઝની બીજી મૅચ આજે ૧૨ મેએ અને ત્રીજી મૅચ ૧૪ મેએ રમાશે.
ADVERTISEMENT
આર્મીની ટ્રેઇનિંગ લઈને આવેલી પાકિસ્તાનની ટીમને હવે તેના જ દેશના દિગ્ગજ ક્રિકેટર્સ ટ્રોલ કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપ પહેલાં ન્યુ ઝીલૅન્ડની ‘એ’ ટીમ સામે માંડ-માંડ સિરીઝ ડ્રૉ કરવી અને હવે T20માં અગિયારમો રૅન્ક ધરાવતી ટીમ સામે હારતાં પાકિસ્તાની ક્રિકેટર્સના પ્રદર્શન પર સવાલ ઊઠ્યા છે. T20 રૅન્કિંગમાં સાતમા ક્રમની ટીમ પાકિસ્તાન બાવીસમી મેથી ઇંગ્લૅન્ડ સામે ચાર મૅચની T20 સિરીઝ રમવા ઊતરશે.

