માર્કો યેનસેનની પાંચ વિકેટના જોરે સનરાઇઝર્સ હરીફ ટીમને ૮૯ રનથી હરાવીને સતત બીજી વાર ચૅમ્પિયન બની
ટીમ સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ
સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચે શનિવારે રમાયેલી સાઉથ આફ્રિકા ટી૨૦ (SA20) લીગની ફાઇનલ મૅચમાં સનરાઇઝર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. માર્કો યેનસેનની પાંચ વિકેટના દમ પર હરીફ ટીમને ૮૯ રનથી હરાવીને સતત બીજી વાર સનરાઇઝર્સ ચૅમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો હતો. આ લીગમાં ગઈ સીઝનમાં પણ સનરાઇઝર્સ ચૅમ્પિયન બની હતી. ટીમની આ જીત પર ફ્રૅન્ચાઇઝીની માલિક કાવ્યા મારનનો ઉત્સવ મનાવતો વિડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
ડર્બન સુપર જાયન્ટ્સ ટીમ માટે કાળ સાબિત થયો માર્કો યેનસેન
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ ટીમે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૪ રન બનાવ્યા હતા. જવાબમાં મેદાનમાં ઊતરેલી ડર્બન ટીમ ૧૭ ઓવરમાં માત્ર ૧૧૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ડર્બન ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ૪ ઓવરમાં ડર્બનના ૩ બૅટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. એ સમયે ટીમનો સ્કોર ૭ રન હતો. ડર્બન માટે યેનસેન કાળ સાબિત થયો હતો. તેણે ૪ ઓવરમાં ૩૦ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે આ લીગમાં ૨૦ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો.
ટૉમ એબેલ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો
ADVERTISEMENT
સનરાઇઝર્સ ઈસ્ટર્ન કૅપ અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી ટાઇટલ માટેની મૅચમાં સુકાની ઍડમ માર્કરમનો પણ જલવો જોવા મળ્યો હતો. તેણે ૨૬ બૉલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આક્રમક ૪૨ રન કર્યા હતા. જોકે તે પોતાની અડધી સદી ચૂક્યો હતો, તો ટૉમ એબેલે પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૩૪ બૉલમાં ૮ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૫ રન કર્યા હતા. આ મૅચ વિનિંગ પ્રદર્શનને પગલે તેને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.