આજની વૉર્મ-અપ મૅચ પહેલાં ગિલ, કિશન, શાર્દૂલ પણ ગઈ કાલે નેટમાં હતા : ઈજાને લીધે અક્ષર આઉટ
રવિચંદ્રન અશ્વિન
ક્રિકેટ હોય કે પત્તાંની રમત, હુકમનું પત્તું કોઈ પણ સમયે બાજી પલટાવવાની ક્ષમતા રાખે છે. ટીમ ઇન્ડિયાના હાલ પણ કંઈક એવા જ છે. લાસ્ટ મિનિટે ટીમ ઇન્ડિયામાં એક્કાની જેમ બાજી મારનાર ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આખરે ટીમ ઇન્ડિયામાં મોકો મળ્યો ખરો. ઇંગ્લૅન્ડ સામેની આજની ગુવાહાટીની વૉર્મઅપ મૅચ (બપોરે ૨.૦૦ વાગ્યાથી) અગાઉ એક ઑલરાઉન્ડરની સ્ટાઇલમાં અશ્વિને ગઈ કાલે નેટ્સમાં બોલિંગ અને બૅટિંગ કરી હતી. ઑપ્શનલ પ્રૅક્ટિસ સેશનમાં અનુભવી અશ્વિનની પ્રૅક્ટિસ જોયા બાદ કોચ રાહુલ દ્રવિડ અને તમામ સપોર્ટ સ્ટાફના પ્રસન્ન ચહેરા પર ટીમ ઇન્ડિયામાં હુકમના એક્કાની હાજરીની ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી.
ગુવાહાટીમાં ગઈ કાલે ઑપ્શનલ પ્રૅક્ટિસ સેશનમાં માત્ર ચાર ખેલાડી હાજર હતા; શુભમન ગિલ, ઈશાન કિશન, શાર્દૂલ ઠાકુર અને રવિચંદ્રન અશ્વિન. તમામ સપોર્ટ સ્ટાફની નજર અશ્વિનના પ્રદર્શન પર હતી. નંબર-૮ પર ટીમ ઇન્ડિયાને બૅટિંગમાં એક કુશળ બોલિંગ ઑલરાઉન્ડર જોઈતો હોવાથી શાર્દૂલ અને અશ્વિન વચ્ચે અંતિમ પસંદગી ટીમ મૅનેજમેન્ટે કરવાની રહેશે. લગભગ ૪૫ મિનિટના બૅટિંગ સેશનમાં અશ્વિને બે સેશનમાં બૅટિંગનો અભ્યાસ કર્યો હતો. પહેલાં થ્રો ડાઉન સ્પેશ્યલિસ્ટ સાથે ૨૦ મિનિટ નેટમાં સમય વિતાવ્યા બાદ અશ્વિને નેટ બોલર્સ સામે બૅટિંગ કરી હતી. ખાસ કરીને અશ્વિન રિવર્સ સ્વિપ અને સ્વિપ વધુ રમતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
તમામ વિદેશી ટીમોમાં ઇનફૉર્મ બૅટ્સમેનો અશ્વિનની સ્પિનના જાદુની જાળમાં આસાનીથી ફસાઈ શકે છે એની જાણ ટીમ મૅનેજમેન્ટને બહુ સારી રીતે હોવાથી આજની પહેલી પ્રૅક્ટિસ મૅચમાં તેના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
જોકે છેલ્લાં ૬ વર્ષમાં માત્ર પાંચ વન-ડે મૅચ રમનાર અશ્વિનને ઈજાગ્રસ્ત લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલના સ્થાને ગુરુવારે છેલ્લા સમયે સિલેક્શન કમિટીએ ટીમમાં સામેલ કર્યો હતો. સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીએ પણ અશ્વિનનો અનુભવ ટીમ ઇન્ડિયા માટે કારગત સાબિત થશે એવી ભવિષ્યવાણી ઘણા દિવસ પહેલાં કરી હતી.


