ત્રીજા દિવસે હિમાચલ પ્રદેશ પહેલા દાવમાં ૧૮૭ અને બીજામાં ૧૩૯ રનમાં ઢેર
મુશીર ખાને સેન્ચુરી ફટકાર્યા બાદ ૩ વિકેટ પણ લીધી હતી (તસવીર : અતુલ કાંબળે)
MCA ક્રિકેટ ગ્રાઉન્ડમાં રણજી ટ્રોફીના ચોથા રાઉન્ડની મૅચમાં મુંબઈએ ત્રીજા દિવસે જ હિમાચલ પ્રદેશને માત આપી છે. આ એક ઇનિંગ્સ અને ૧૨૦ રનની જીત સાથે મુંબઈએ ગ્રુપ Dના પૉઇન્ટ-ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ચાર મૅચમાં બે જીત અને બે ડ્રૉ મૅચ સહિત ૧૭ પૉઇન્ટ સાથે મુંબઈ આઠ ટીમ વચ્ચે નંબર વન ટીમ છે.
મુંબઈએ બે શાનદાર સદી અને એક ફિફ્ટીની મદદથી ૪૪૬ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ત્રીજા દિવસની રમતમાં હિમાચલ પ્રદેશે ૯૪ રનમાં સાત વિકેટ સાથે પહેલા દાવની શરૂઆત કરી હતી. બે વ્યક્તિગત ફિફ્ટીના આધારે ૬૫.૫ ઓવરમાં ૧૮૭ રન કરીને હિમાચલ પ્રદેશની ટીમ ઑલઆઉટ થઈ હતી. મુંબઈ તરફથી પહેલા દાવમાં હિમાંશુ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. શમ્સ મુલાની અને તુષાર દેશપાંડેને બે-બે સફળતા મળી હતી.
ADVERTISEMENT
મુંબઈએ ફૉલો-ઑન આપતાં મહેમાન ટીમને ફરી બૅટિંગ કરવા ઊતરવું પડ્યું હતું. જોકે બીજા દાવમાં પણ મુંબઈના બોલિંગ-અટૅક સામે હિમાચલ પ્રદેશ ૪૯.૧ ઓવરમાં ૧૩૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. શમ્સ મુલાનીએ બીજા દાવમાં ૩૭ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. શતકવીર મુશીર ખાને પાર્ટ-ટાઇમ સ્પિનર તરીકે કુલ ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચના અવૉર્ડ પર પોતાનો દાવો મજબૂત કર્યો હતો.


