પંજાબ સામે ૧૦ રનથી આગળ થયું, પણ કેટલો ટાર્ગેટ આપશે એ લાખ રૂપિયાનો સવાલ

સૌરાષ્ટ્રનો કૅપ્ટન અર્પિત વસાવડા (ઉપર) ગઈ કાલે ૧૦૦ બૉલમાં ૪૪ રન બનાવીને નૉટઆઉટ હતો. તેની ૧૧મી સદી સૌરાષ્ટ્રને બચાવી શકે. ચિરાગ જાની ૩૫ રને રમી રહ્યો હતો.
રાજકોટમાં ચાલતી પાંચ દિવસની રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રએ ગઈ કાલે પંજાબ સામેના બીજા દાવમાં ૧૩૮ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે કૅપ્ટન અર્પિત વસાવડા ૪૪ રને અને ચિરાગ જાની ૩૫ રને રમી રહ્યા હતા અને બન્ને વચ્ચેની ૭૮ રનની અતૂટ ભાગીદારી જોતાં તેઓ તેમ જ તેમના પછીના ટેઇલ-એન્ડર્સ ટીમને કેટલા સ્કોર સુધી પહોંચાડશે એના પર મૅચનો મોટા ભાગે આધાર છે. ગઈ કાલની ત્રીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમ ૧૦ રનથી આગળ હતી.
ઓપનર હાર્વિકનો સતત બીજો ઝીરો
સૌરાષ્ટ્રનો ઓપનર અને વિકેટકીપર હાર્વિક દેસાઈ પ્રથમ દાવમાં પેસ બોલર બલતેજ સિંહના બૉલમાં ઝીરો પર કૅચઆઉટ થયો ત્યાર બાદ ગઈ કાલે હાર્વિકે પોતાના ઝીરો પર જ લેફ્ટ-આર્મ સ્પિનર વિનય ચૌધરીના બૉલમાં કૅચ આપી દીધો હતો. વિનયે પછીથી વિશ્વરાજ જાડેજા (૪) અને શેલ્ડન જૅક્સન (૨૧)ની પણ વિકેટ લીધી હતી. બલતેજ સિંહને ગઈ કાલે એકેય વિકેટ નહોતી મળી, પરંતુ તે આજે સૌરાષ્ટ્રની બાજી બગાડી શકે છે. સૌરાષ્ટ્રના પહેલા દાવમાં ૩૦૩ રન અને પંજાબના ૪૩૧ રન હતા.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રની એક સેન્ચુરી સામે પંજાબની બે સદી, ૨૪ રનની સરસાઈ પણ લીધી
મધ્ય પ્રદેશને ૧૮૭ રનની જરૂર
ઇન્દોરની ક્વૉર્ટર ફાઇનલમાં આંધ્રની ટીમે ૨૪૫ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ મધ્ય પ્રદેશની ટીમે વિના વિકેટે ૫૮ રન બનાવ્યા હતા અને એને જીતવા માટે ૧૮૭ રનની જરૂર હતી.
ફ્રૅક્ચર છતાં હનુમાની ફરી બૅટિંગ
ઇન્દોરની ક્વૉર્ટરમાં ગઈ કાલે ત્રીજા દિવસે આંધ્રના કૅપ્ટન હનુમા વિહારીએ પ્રથમ દાવમાં ડાબા હાથના ફ્રૅક્ચર છતાં બૅટિંગ કરીને ૨૭ રન બનાવ્યા ત્યાર બાદ ગઈ કાલે ટીમને તેની ખાસ જરૂર હતી ત્યારે તે અગિયારમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને મોટા ભાગે એક હાથે શૉટ મારીને ૧૬ બૉલમાં ત્રણ ફોરની મદદથી ૧૫ રન બનાવ્યા હતા. મધ્ય પ્રદેશના અવેશ ખાને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
કલકત્તામાં બેન્ગોલ સામે ઝારખંડે ગઈ કાલે બીજા દાવમાં ૧૫૫ રનની લીડ ઉતાર્યા પછી બીજા સાત રન બનાવ્યા હતા. રમતના અંતે ઝારખંડનો સ્કોર ૭ વિકેટે ૧૬૨ રન હતો. બૅન્ગલોરમાં કર્ણાટક સામે ઉત્તરાખંડની ટીમ બીજા દાવમાં ૩ વિકેટે ૧૦૬ રનના સ્કોર સાથે હજી બીજા ૩૮૫ રનથી પાછળ હતી.