બાબરે પરાજય બાદ સિનિયર ખેલાડીઓની ટીકા કરી હતી, ત્યારે શાહીને તેને અટકાવતાં કહ્યું કે જેણે સારું પ્રદર્શન કર્યું છે

બાબર અને સ્ટાર બોલર શાહીન આફ્રિદી
શ્રીલંકા સામેની મૅચમાં બે વિકેટે હાર્યા બાદ પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ ગયું હતું. ત્યાર બાદ ટીમમાં આંતરિક વિરોધ બહાર આવ્યો છે. શ્રીલંકા સામેના પરાજય બાદ કૅપ્ટન બાબર અને સ્ટાર બોલર શાહીન આફ્રિદી વચ્ચે ડ્રેસિંગરૂમમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને દરમ્યાનગીરી કરીને બન્નેને અટકાવ્યા હતા, એવું પાકિસ્તાનની ન્યુઝ ચૅનલના હવાલાથી જણાવાયું હતું. બાબરે પરાજય બાદ સિનિયર ખેલાડીઓની ટીકા કરી હતી, ત્યારે શાહીને તેને અટકાવતાં કહ્યું કે જેણે સારું પ્રદર્શન કર્યું છે તેને શાબાશી મળવી જોઈએ. જોકે બન્ને વચ્ચે ત્યારે વિવાદ વધતાં રિઝવાન અને કોચિંગ સ્ટાફના સભ્યોએ બન્નેને શાંત પાડ્યા હતા. બાબરે કહ્યું કે ‘કેટલાક ખેલાડીઓએ પોતાને સુપરસ્ટાર સમજવાનું શરૂ કરી દીધું છે. જો તમે વારંવાર નિષ્ફળ જશો તો લોકો તમને ભૂલી જશે. વર્લ્ડ કપ દરેક માટે છેલ્લી તક છે.’