અમદાવાદમાં ક્રિકેટવિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપની ઓપનિંગ મૅચ માટે રેડી ટુ ગોની પોઝિશનમાં આવી ગયું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અમદાવાદમાં ક્રિકેટવિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપની ઓપનિંગ મૅચ માટે રેડી ટુ ગોની પોઝિશનમાં આવી ગયું છે. પાંચમી ઑક્ટોબરે વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે અને એની પહેલી મૅચ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આ સ્ટેડિયમમાં રમાશે. ૧૪ ઑક્ટોબરની ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ અને બીજી અમુક ટીમ સાથે પણ અહીં મૅચ રમાવાની હોવાથી શહેરમાં વર્લ્ડ કપનો ભરપૂર માહોલ ક્રીએટ થયો છે. સ્ટેડિયમમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઓપનિંગ મૅચ પહેલાં નાની ઇવેન્ટ થવાની છે. સ્ટેડિયમમાં રમાનારી દરેક મૅચમાં સવારે ૧૧ વાગ્યાથી પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે.
રાચિન રવીન્દ્રએ ન્યુ ઝીલૅન્ડને પાકિસ્તાન સામે જિતાડ્યું
ADVERTISEMENT
ગઈ કાલે હૈદરાબાદમાં વર્લ્ડ કપ પહેલાંની વૉર્મ મૅચોના પ્રારંભિક દિવસે ગયા વિશ્વકપના રનર-અપ ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનને હરાવી દીધું હતું. પાકિસ્તાને રિટાયર્ડ હર્ટ રિઝવાનના ૧૦૩ રન, બાબરના ૮૦ અને સઉદ શકીલના ૭૫ રનની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૪૫ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના ૮ બોલર્સમાં સૅન્ટનરને સૌથી વધુ બે વિકેટ મળી હતી.કિવીઓના ભારતીય મૂળના સ્પિનર રાચિન રવીન્દ્રને ૬૦ રનમાં વિકેટ નહોતી મળી, પણ તેણે ૭૨ બૉલમાં ૯૭ રન બનાવીને ન્યુ ઝીલૅન્ડને જિતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. ચૅપમૅને અણનમ ૬૫, ડેરિલ મિચલે ૫૯ અને વિલિયમસને ૫૪ રન બનાવ્યા હતા. કિવીઓએ ૪૩.૪ ઓવરમાં પાંચ વિકેટે ૩૪૬ રન બનાવી લીધા હતા.
બીજી વૉર્મ અપ મૅચમાં બંગલાદેશે શ્રીલંકાને ૭ વિકેટે હરાવ્યું હતું.
કેન વિલિયમસન વર્લ્ડ કપની પ્રથમ મૅચ નહીં રમે
૨૦૧૯માં કેન વિલિયમસનના સુકાનમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ ઇંગ્લૅન્ડ સામેની વર્લ્ડ કપની ફાઇનલ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ બેન સ્ટોક્સના જાદુઈ પર્ફોર્મન્સને કારણે બ્રિટિશ ટીમે ઐતિહાસિક જીત મેળવી એનો બદલો લેવાની વિલિયમસનને પાંચમી ઑક્ટોબરે આ વર્લ્ડ કપના ઇંગ્લૅન્ડ સામેના પ્રારંભિક મુકાબલામાં જ બહુ સારી તક હતી, પણ તે હજી ઘૂંટણની ઈજામાંથી પૂર્ણપણે મુક્ત ન થયો હોવાથી વિશ્વકપની પહેલી મૅચમાં નહીં રમે. તેણે એપ્રિલમાં આઇપીએલની શરૂઆતમાં જ સર્જરી કરાવી હતી.
આરસીબીએ મો બૉબાટને ડિરેક્ટર બનાવ્યા
આઇપીએલના ૧૬ વર્ષના ઇતિહાસમાં એક પણ વખત ટ્રોફી ન જીતી શકનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ના માલિકોએ ઇંગ્લૅન્ડની ૨૦૧૯ની વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે રહી ચૂકેલા મો બૉબાટને ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ એક સમયે મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ઇંગ્લૅન્ડની ટીમના પર્ફોર્મન્સ ડિરેક્ટર હતા. ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યું ત્યારે પણ મો બૉબાટ બ્રિટિશ ટીમના પર્ફોર્મન્સ ડિરેક્ટર હતા.
રેફરીને બાર્સેલોનાનું પેમેન્ટ : ફેડરેશન પર રેઇડ
સ્પેનમાં બાર્સેલોના દ્વારા રેફરીઓની કમિટીના ભૂતપૂર્વ ઉપ-પ્રમુખને બાર્સેલોના દ્વારા થોડાં વર્ષો સુધી કથિત પેમેન્ટ કરાયું હોવાને મુદ્દે સ્પૅનિશ પોલીસે તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં દેશના સૉકર ફેડરેશનની ઑફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. ન્યાયાધીશના આદેશને પગલે મૅડ્રિડ નજીક ફેડરેશનની ઑફિસમાં રેફરિંગ કમિટીના વિભાગમાં રેઇડ પાડવામાં આવી છે.


