લબુશેને સદીથી નંબર-વનનું સ્થાન મજબૂત કર્યું અને વધુ સમાચાર

ફાસ્ટ બોલર માર્ક વુડ
આજથી બીજી ટેસ્ટ, માર્ક વુડનું બ્રિટિશ ટીમમાં કમબૅક
ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે આજે ત્રણ મૅચવાળી સિરીઝની બીજી ટેસ્ટ મુલતાનમાં શરૂ થઈ રહી છે. ઇંગ્લૅન્ડ પ્રથમ ટેસ્ટ નસીમ શાહ (૪૬ બૉલમાં ૬ રન) અને મોહમ્મદ અલી (૨૬ બૉલમાં ૦ અણનમ)ના જબરદસ્ત ફાઇટબૅક છતાં ૭૪ રનથી જીતી ગયું હતું. બીજી ટેસ્ટ માટેની ટીમમાં ફાસ્ટ બોલર માર્ક વુડનું પુનરાગમન થયું છે. તે ઈજાગ્રસ્ત લિઆમ લિવિંગસ્ટનના સ્થાને રમશે. ઑલી પોપને વિકેટકીપર તરીકે જાળવી રાખવામાં આવતાં બેન ફોક્સે હજી બેન્ચ પર જ બેઠા રહેવું પડશે. ઇંગ્લૅન્ડની ટીમ : બેન સ્ટોક્સ (કૅપ્ટન), ઑલી પોપ (વિકેટકીપર), ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, જો રૂટ, હૅરી બ્રુક, વિલ જૅક્સ, ઑલી રૉબિન્સન, જૅક લીચ, માર્ક વુડ અને જેમ્સ ઍન્ડરસન.
લબુશેને સદીથી નંબર-વનનું સ્થાન મજબૂત કર્યું
ઑસ્ટ્રેલિયાના માર્નસ લબુશેન બુધવારે ટેસ્ટના બૅટર્સના રૅન્કિંગ્સમાં ઇંગ્લૅન્ડના જો રૂટના હાથમાંથી મોખરાનું સ્થાન આંચકી લીધા પછી ગઈ કાલે લબુશેને ૧૦મી ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને નંબર-વનની રૅન્ક મજબૂત કરી હતી. લબુશેને ગયા અઠવાડિયે પર્થની પહેલી ટેસ્ટના પહેલા દાવમાં ૨૦૪ રન અને બીજા દાવમાં અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા.
બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં બંગલાદેશ, સાઉથ આફ્રિકા વિજયી
ભારતમાં રમાતા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ફૉર ધ બ્લાઇન્ડમાં ભારત, બંગલાદેશ અને શ્રીલંકાએ મંગળવારે પોતપોતાની પહેલી મૅચ જીતી લીધી એ પછી બુધવારે બંગલાદેશે બીજો વિજય નોંધાવ્યો હતો. ફરીદાબાદમાં એણે નેપાલને ૧૧૪ રનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાનો મંગળવારે બંગલાદેશ સામે ૯૯ રનથી પરાજય થયો હતો, પણ બુધવારે સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું.