આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન અવ્વલ છે

મોહમ્મદ સિરાજે
સિરાજે નંબર-વન રૅન્ક ગુમાવ્યો, વિલિયમસન ટેસ્ટમાં નંબર-ટૂ
ભારતના પેસ બોલર મોહમ્મદ સિરાજે વન-ડેના રૅન્કિંગ્સમાં મોખરાનો રૅન્ક થોડા જ દિવસમાં ગુમાવી દીધો છે. આઇસીસીના લેટેસ્ટ રૅન્કિંગ્સ મુજબ ઑસ્ટ્રેલિયાનો જૉશ હૅઝલવુડ તેના સ્થાને નંબર-વન થઈ ગયો છે. સિરાજ ત્રીજા નંબરે ગયો છે અને બીજા નંબરે ટ્રેન્ટ બોલ્ટ છે. બૅટર્સમાં બાબર આઝમ હજીયે નંબર-વન છે. ટેસ્ટના બૅટર્સમાં ન્યુ ઝીલૅન્ડનો કેન વિલિયમસન બીજા નંરેર આવી ગયો છે. તેણે તાજેતરમાં શ્રીલંકા સામેની બે ટેસ્ટમાં કુલ ૨૧૫ રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન અવ્વલ છે. ટેસ્ટના બોલર્સમાં આર. અશ્વિન નંબર-વન છે, જ્યારે ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા પહેલા સ્થાને છે.
ભારતનાં લેજન્ડરી રનર હવે ડૉ. પી. ટી. ઉષા તરીકે ઓળખાશે
ભારતનાં ભૂતપૂર્વ ઑલિમ્પિયન રનર અને સતત ચાર એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ પી. ટી. ઉષાને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ કેરલાની ડૉક્ટરેટની સૌપ્રથમ માનદ પદવીથી નવાજવામાં આવશે. ‘પય્યોલી એક્સપ્રેસ’ તરીકે જાણીતાં ૫૮ વર્ષનાં આ લેજન્ડરી રનર હવે ડૉ. પી. ટી. ઉષા તરીકે ઓળખાશે. તેમણે ખેલકૂદમાં અસાધારણ યોગદાન આપ્યું એ બદલ તેમને આ પદવીથી સન્માનિત કરવાનું નક્કી કરાયું છે.
ઇટલીની ગિયૉર્ગીએ રૅકેટ ફેંક્યું અને પછી જીતી લૉન્ગેસ્ટ મૅચ
અમેરિકામાં મંગળવારે માયામી ઓપન ટેનિસ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં ઇટલીની કૅમિલા ગિયૉર્ગીએ એસ્ટોનિયાની કેઇઆ કૅનપીને ૭-૪, ૪-૭, ૭-૪થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ગિયૉર્ગી આ સંઘર્ષપૂર્ણ મૅચમાં એક સમયે મગજ પરથી કાબૂ ગુમાવી બેઠી હતી. એક તબક્કે તેણે મૅચ દરમ્યાન એક પૉઇન્ટ ગુમાવતાં ગુસ્સામાં પોતાનું રૅકેટ ફેંકી દીધું હતું. જોકે એ પછી તેણે અમ્પાયરની માફી માગી લીધી હતી. વિમેન્સ ટેનિસ અસોસિએશનની વર્તમાન સીઝનની આ સૌથી લાંબી મૅચ હતી. આ મૅચ ૩ કલાક ૩૨ મિનિટ સુધી ચાલી હતી.