ઉમેશ યાદવ ઍન્ડ ફૅમિલી ઇન લંડન; સાઇના મહાકાલેશ્વર મંદિરે જઈ આવી, હમણાં નિવૃત્તિ નથી લેવાની અને વધુ સમાચાર

મુંબઈનાં ભૂતપૂર્વ બોલર સુરેખા ભંડારે
મુંબઈનાં ભૂતપૂર્વ બોલર સુરેખા ભંડારેનું નિધન
૧૯૭૦ના દાયકામાં ૧૨૭ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૧૦૦ વિકેટ લેનાર મુંબઈનાં ભૂતપૂર્વ પેસ બોલર સુરેખા ભંડારેનું ગઈ કાલે દાદરના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ ૭૨ વર્ષનાં હતાં. તેઓ જાણીતા ક્રિકેટ-કોચ રમાકાંત આચરેકર અને હેમંત હડકરનાં શિષ્ય હતાં અને રિટાયરમેન્ટ પછી ખુદ ભંડારે પરેલના પુરંદરે સ્ટેડિયમમાં પોતાની ક્લબ નવયુગ ક્રીડા મંડળમાં ઊભરતા ક્રિકેટર્સને કોચિંગ આપતાં હતાં. તેઓ થોડા સમય માટે મુંબઈની વિમેન્સ ટીમનાં સિલેક્ટર પણ હતાં. મહિલા ક્રિકેટ-લેજન્ડ ડાયના એદલજીના જણાવ્યા મુજબ ભંડારે ઑલરાઉન્ડર હતાં અને ૧૧મા નંબરના હાર્ડ-હિટિંગ બૅટર તરીકે પણ જાણીતાં હતાં.
મલાન પાંચમી સદી અને સ્ટોક્સ પ્રથમ ડબલ સેન્ચુરી ચૂકી ગયો
લંડનના ઓવલમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડનો ઓપનર ડેવિડ મલાન ૯૬મા રને આઉટ થતાં ચાર રન માટે પાંચમી સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે તેણે બેન સ્ટોક્સ સાથે ત્રીજી વિકેટ માટે ૧૯૯ રનની ભાગીદારી કરી હતી. મલાન આઉટ થતાં તેમની વચ્ચે ૨૦૦ની ભાગીદારી તો નહોતી થઈ શકી, થોડી વાર પછી સ્ટોક્સ ૧૮૨ રનના તેના સ્કોરે આઉટ થતાં તે પ્રથમ ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. સ્ટોક્સે ગઈ કાલે ચોથી ઓડીઆઇ સદી તો ફટકારી, પરંતુ પહેલી ડબલ સેન્ચુરીથી ૧૮ રન માટે વંચિત રહી ગયો હતો. બન્નેની ૧૯૯ની પાર્ટનરશિપની મદદથી ઇંગ્લૅન્ડે ૪૮.૧ ઓવરમાં ૩૬૮ રન બનાવીને કિવીઓને જીતવા ૩૬૯ રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.
ઉમેશ યાદવ ઍન્ડ ફૅમિલી ઇન લંડન
ગયા અઠવાડિયે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં મિડલસેક્સના ત્રણ મહત્ત્વના બૅટર્સ માર્ક સ્ટૉનમૅન (૬), જૅક ડેવિસ (૧) અને મૅક્સ હોલ્ડન (૧૨)ની વિકેટ લઈને એસેક્સને વિજય અપાવનાર ભારતના ખ્યાતનામ પેસ બોલર અને નાગપુરના ઉમેશ યાદવને થોડા સમયથી ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ તે કાઉન્ટીમાં વધુ મૅચો રમવા હાલમાં ઇંગ્લૅન્ડમાં છે જ્યાં તેણે લંડનનાં જાણીતાં સ્થળોની મુલાકાત લઈને પત્ની તાન્યા અને પુત્રી સાથે ફોટો પડાવ્યા હતા. ઉમેશ-તાન્યાને બે પુત્રી છે.
સાઇના મહાકાલેશ્વર મંદિરે જઈ આવી, હમણાં નિવૃત્તિ નથી લેવાની
ફિટનેસની સમસ્યાને કારણે પાંચ મહિનાથી બૅડ્મિન્ટન કોર્ટથી દૂર રહેલી અને સાડાચાર વર્ષથી એક પણ ટાઇટલ ન જીતી શકનાર હૈદરાબાદની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડી સાઇના નેહવાલ તાજેતરમાં તેનાં મમ્મી-પપ્પા સાથે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના મંદિરે ગઈ હતી અને ત્યાંની ઘણી તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. ગઈ કાલે તેણે દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવું મારા માટે મુશ્કેલ તો છે જ, પણ હું હજી હમણાં રિટાયર નથી થવા માગતી. હું કમબૅક માટે બનતા બધા પ્રયત્ન કરું છું. જોકે ફરી ઑલિમ્પિક્સની વાત કરું તો એમાં ક્વૉલિફાય થવું મારા માટે આસાન નથી, કારણ કે એક-બે કલાક પ્રૅક્ટિસ કરું છું તો મારા ઘૂંટણમાં બળતરા થવા માંડે છે. ઘૂંટણ વાળી નથી શકતી એટલે પ્રૅક્ટિસનું બીજું સેશન શક્ય જ નથી. હમણાં તો ડૉક્ટરે મને બે ઇન્જેક્શન આપ્યાં છે.’
ખોટા આક્ષેપમાંથી પોતાને નિર્દોષ સાબિત કરીને રહીશ : સિમોના હાલેપ
મહિલા ટેનિસની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડી અને બે ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી રોમાનિયાની ૩૧ વર્ષની સિમોના હાલેપે ડ્રગ્સ-ટેસ્ટ સંબંધી નિયમોના ભંગ બદલ પોતાના પર મંગળવારે ચાર વર્ષનો રમવા પરનો જે પ્રતિબંધ જાહેર કરાયો એમાંથી પોતાને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ૨૦૨૨ની યુએસ ઓપન વખતે તે ડોપ-ટેસ્ટ આપવામાં નિષ્ફળ રહી હતી અને તેના ઍથ્લીટ બાયોલૉજિકલ પાસપોર્ટમાં અનિયમિતતા હોવાનું જણાયું હતું. હાલેપે કહ્યું કે હું પોતાને આક્ષેપમાંથી નિર્દોષ સાબિત કરીને રહીશ.
ઓડિશાના ૧૩ ઍથ્લીટ્સને રાજ્ય સરકારની ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય
ઓડિશાની રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે આગામી ૨૩ સપ્ટેમ્બરે ચીનમાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ઓડિશામાંથી ભાગ લેવા જનાર ૧૩ ઍથ્લીટને ૧૦-૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઓડિશાના જાણીતા ઍથ્લીટ્સમાં કિશોર જેના (ઍથ્લેટિક્સ), દીપ ગ્રેસ એક્કા તથા અમિત રોહિદાસ (હૉકી)નો સમાવેશ છે.