તેની પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે

જૉની બેરસ્ટૉ આ વર્ષના બાકીના મહિના નહીં રમે
જૉની બેરસ્ટૉ આ વર્ષના બાકીના મહિના નહીં રમે
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર જૉની બેરસ્ટૉને ગૉલ્ફ કોર્સમાં થયેલા વિચિત્ર અકસ્માતમાં ડાબા પગમાં ફ્રૅક્ચર આવતાં તે પાકિસ્તાન સામેની ૭ મૅચની ટી૨૦ સિરીઝમાં નહોતો રમી શક્યો, પણ હવે તે ૨૦૨૨ના બાકીના મહિનામાં પણ નહીં રમી શકે. તેની પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. તેણે સર્જરીમાં પ્લેટ બેસાડી છે અને ઑપરેશન બાદ તેણે સોશ્યલ મીડિયા પર પોતાના કેટલાક ફોટો અને માહિતી પોસ્ટ કર્યાં છે.
મોઇન અલી હવે ટેસ્ટ નહીં રમે
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન લીએ અનેક મહિનાઓની અટકળ બાદ કહ્યું કે તે હવે ફરી ટેસ્ટ-મૅચ નહીં રમે. તાજેતરમાં જૉસ બટલરની ગેરહાજરીમાં ઇંગ્લૅન્ડને પાકિસ્તાન સામેની ટી૨૦ સિરીઝમાં ૪-૩થી વિજય મેળવવામાં કૅપ્ટન તરીકે મોટું યોગદાન આપનાર મોઇને ગયા સપ્ટેમ્બરમાં ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું, પરંતુ જો રૂટના સ્થાને બેન સ્ટોક્સ ટેસ્ટનો સુકાની બનતાં અને ક્રિસ સિલ્વરવુડની જગ્યાએ બ્રેન્ડન મૅક્લમ હેડ-કોચ બનતાં મોઇન ટેસ્ટમાં કદાચ કમબૅક કરશે એવું મનાતું હતું, પરંતુ તેણે એ કમબૅકની સંભાવના વિશે સાફ ઇનકાર કરી દીધો છે.
સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ ૧૦ જાન્યુઆરીથી
સાઉથ આફ્રિકાની SA20 તરીકે ઓળખાતી નવી ટી૨૦ લીગ ટુર્નામેન્ટ આગામી ૧૦ જાન્યુઆરીએ શરૂ થશે. તમામ ૬ ટીમના ફ્રૅન્ચાઇઝીને આઇપીએલની ટીમની માલિકી ધરાવતાં જૂથોએ ખરીદી હોવાથી એ રમાશે ત્યારે આઇપીએલ જેવો જ માહોલ રચાશે. દરેક ટીમમાં ૭ ઇન્ટરનૅશનલ ખેલાડી સહિત કુલ ૧૭ પ્લેયરને સમાવવામાં આવ્યા છે. ટીમનાં નામ આ મુજબ છે ઃ એમઆઇ કેપ ટાઉન, ડર્બન સુપર જાયન્ટ્સ, જોહનિસબર્ગ સુપર કિંગ્સ, પાર્લ રૉયલ્સ, પ્રિટોરિયા કૅપિટલ્સ અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ.