રણજીમાં બ્રેબર્નનો મુકાબલો ડ્રૉ : વિઝિયાનગરમમાં હનુમા વિહારીના સુકાનમાં આંધ્ર ઇનિંગ્સથી જીતીને ફાવી ગયું
આંધ્રનો કૅપ્ટન હનુમા વિહારી
રણજી ટ્રોફીમાં ગઈ કાલે અણધાર્યા ઉતાર-ચડાવનો દિવસ હતો. ગ્રુપ ‘બી’માંથી સૌરાષ્ટ્રની સાથે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે સૌથી મોટી હરીફાઈ હતી, પરંતુ એ બન્ને દાવેદારો નિષ્ફળ રહ્યા હતા અને આસામ સામે એક દાવ અને ૯૫ રનથી જીતીને હનુમા વિહારીના સુકાનમાં આંધ્ર પ્રદેશની ટીમ એક જાદુઈ બોનસ પૉઇન્ટ સાથે ક્વૉર્ટરમાં પહોંચી ગઈ છે.
સૌરાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના એકસરખા ૨૬ પૉઇન્ટ હતા, પરંતુ મહારાષ્ટ્રની ટીમ ગઈ કાલે મુંબઈ સામે ડ્રૉ ગયેલી મૅચમાંથી એકેય બોનસ પૉઇન્ટ ન મેળવી શકતાં સૌરાષ્ટ્ર અને આંધ્ર ક્વૉર્ટરમાં પહોંચી ગયાં હતાં. આંધ્ર એક બોનસ સહિતના સાત પૉઇન્ટ મેળવીને ફાવી ગયું હતું. મુંબઈ પણ ક્વૉર્ટરની રેસમાં હતું, પરંતુ એ જીતી તો ન શક્યું, પણ પહેલા દાવમાં લીડ પણ ન લઈ શક્યું, જેને લીધે એ ૨૬ પૉઇન્ટ સુધી પહોંચવા જરૂરી ત્રણ પૉઇન્ટ નહોતું મેળવી શક્યું અને એક પૉઇન્ટથી એણે સંતોષ માનવો પડ્યો હતો.
ADVERTISEMENT
ફર્સ્ટ ઇનિંગ્સની ‘ટાઇ’
મહારાષ્ટ્રની જેમ મુંબઈના પણ પહેલા દાવમાં ૩૮૪ રન હતા અને બીજા દાવમાં મહારાષ્ટ્રના ૨૫૨ સામે અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈનો દાવ ગઈ કાલની રમતના અંતે ૧૯૫/૬ના સ્કોર સાથે પૂરો થયો હતો. ટૂંકમાં, મુંબઈ અને મહારાષ્ટ્ર બન્નેએ એકમેકને એક જ પૉઇન્ટ લેવા દીધો અને બીજી બાજુ આંધ્ર એક બોનસ પૉઇન્ટની મદદથી ક્વૉર્ટરમાં પહોંચી ગયું. રણજીની અગાઉની ૮૭ સીઝનમાં પહેલા દાવમાં બન્ને ટીમના એકસરખા રન હોય એવું માત્ર ૯ વાર બન્યું હતું અને હવે મુંબઈ-મહારાષ્ટ્ર વચ્ચે એવું (૩૮૪-૩૮૪) બનતું જોવા મળ્યું.
‘નબળું’ સૌરાષ્ટ્ર રમશે પંજાબ સામે
તામિલનાડુ સામે સૌરાષ્ટ્રએ ગઈ કાલે ૫૯ રનથી પરાજય જોવો પડ્યો હોવા છતાં લાસ્ટ-એઇટમાં પહોંચી ગયું છે. રવીન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રનો કૅપ્ટન હતો અને ૨૬૬ રનના લક્ષ્યાંક સામે તેની ટીમ તામિલનાડુના બે લેફ્ટ-આર્મ સ્પિનર અજિત રામની ૬ વિકેટ અને મણીમારન સિદ્ધાર્થની ત્રણ વિકેટને કારણે ૨૦૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રની ક્વૉર્ટર ફાઇનલ મંગળવારથી રાજકોટમાં પંજાબ સામે રમાશે. એમાં સૌરાષ્ટ્રની ટીમ ઘણી નબળી બની શકે એમ છે, કારણ કે રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને પુજારા ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ માટેના કૅમ્પમાં જવાના હોવાથી ક્વૉર્ટરમાં જોવા નહીં મળે. બીજી ક્વૉર્ટર બેંગોલ-ઝારખંડ વચ્ચે, ત્રીજી કર્ણાટક-ઉત્તરાખંડ, ચોથી મધ્ય પ્રદેશ-આંધ્ર વચ્ચે રમાશે.
જાડેજાની ૭ વિકેટ એળે ગઈ
રવીન્દ્ર જાડેજાએ તામિલનાડુના બીજા દાવમાં ૫૩ રનમાં ૭ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૬૪ રનમાં ત્રણ વિકેટ લીધી હોવાથી તામિલનાડુ ૧૩૩ રનમાં આઉટ થઈ ગયું હતું અને ઓપનર હાર્વિક દેસાઈના ૧૦૧ રન છતાં સૌરાષ્ટ્રની ટીમ લક્ષ્યાંકની નજીક પણ નહોતી પહોંચી શકી.