રાજસ્થાનના ૨૯ વર્ષના પેસ બોલર મુકેશ ચૌધરીએ પોતાની મમ્મીને ગુમાવવા છતાં ચેન્નઈ માટે ગુરુવારની મુંબઈની મૅચમાં હાજરી આપી હતી. મુકેશ ચૌધરીએ ૪ ઓવરમાં ૩૧ રન આપીને ઓપનર ક્વિન્ટન ડી કૉકની વિકેટ ઝડપી હતી.
મમ્મી ગુમાવવા છતાં રમેલા મુકેશ ચૌધરીને ચેન્નઈએ સમર્પિત કરી પોતાની સૌથી મોટી જીત
રાજસ્થાનના ૨૯ વર્ષના પેસ બોલર મુકેશ ચૌધરીએ પોતાની મમ્મીને ગુમાવવા છતાં ચેન્નઈ માટે ગુરુવારની મુંબઈની મૅચમાં હાજરી આપી હતી. મુકેશ ચૌધરીએ ૪ ઓવરમાં ૩૧ રન આપીને ઓપનર ક્વિન્ટન ડી કૉકની વિકેટ ઝડપી હતી. આ વિકેટ લીધા બાદ તેણે આકાશમાં જોઈને પોતાની દિવંગત મમ્મીને વિકેટ સમર્પિત કરી હતી.
૧૦૩ રનની વિશાળ જીત બાદ ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે ‘હું ચોક્કસપણે આ જીત મુકેશ ચૌધરીને સમર્પિત કરવા માગું છું. તેને સલામ છે. આવી દુ:ખદ પરિસ્થિતિમાંથી બાઉન્સબૅક કરવા માટે માનસિક દૃઢતાની જરૂર પડે છે. તે ટીમ માટે પાછો આવ્યો છે.’
મળતાં અહેવાલો અનુસાર મુકેશ ચૌધરીની મમ્મી પ્રેમ દેવીએ એક વર્ષ સુધી લાંબી અજ્ઞાત બીમારી સામે ઝઝૂમ્યા બાદ ૨૧ એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈની તાતા હૉસ્પિટલમાં તે છેલ્લા એક વર્ષથી સારવાર લઈ રહ્યાં હતાં.
મુકેશ ચૌધરીનો ક્રિકેટ-રેકૉર્ડ કેવો રહ્યો છે?
મુકેશ ચૌધરી ૨૦૨૨થી ચેન્નઈ માટે રમી રહ્યો છે. તે પહેલી ત્રણ સીઝનમાં ૨૦ લાખ રૂપિયામાં અને છેલ્લી સીઝનથી ૩૦ લાખ રૂપિયાની સૅલેરી સાથે રમી રહ્યો છે. તેણે ચેન્નઈ માટે ૧૮ મૅચમાં ૨૦ વિકેટ લીધી છે. વર્તમાન સીઝનની બે મૅચમાં તેણે ૩ વિકેટ ઝડપી છે.
રાજસ્થાનનો આ ડાબોડી બોલર મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે ૨૧ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૭૫ વિકેટ, ૨૬ લિસ્ટ-A મૅચમાં ૩૭ વિકેટ લીધી છે. તેણે અત્યાર સુધી રમેલી ૩૮ T20 મૅચમાં ૫૧ વિકેટ ઝડપી છે.
