મારા માટે પપ્પાએ નોકરી છોડી દીધી, મમ્મી માત્ર ત્રણ કલાક સૂતી હતી, હું આજે જેકાંઈ છું એ મારાં મમ્મી-પપ્પાને લીધે છું.
વૈભવ સૂર્યવંશી અને તેના માતા-પિતા
વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સિદ્ધિ પાછળ તેની ફૅમિલીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સોમવારે ગુજરાત ટાઇટન્સ સામેની જીત બાદ રાજસ્થાન રૉયલ્સે શૅર કરેલા એક વિડિયોમાં વૈભવ કહે છે, ‘હું આજે જેકાંઈ છું એ મારાં મમ્મી-પપ્પાને લીધે છું. મારા પ્રૅક્ટિસ-શેડ્યુલ માટે મારી મમ્મી રાત્રે ૧૧ વાગ્યે સૂઈ ગયા પછી રાત્રે બે વાગ્યે ઊઠતી હતી, માંડ ત્રણ કલાક સૂવા મળતું હતું. એ પછી તે મારા માટે ભોજન બનાવતી હતી. મારા પપ્પાએ મને ટેકો આપવા નોકરી છોડી દીધી હતી. મારો મોટો ભાઈ પોતાનું કામ સંભાળી રહ્યો છે અને ઘર માંડ-માંડ જ ચાલી રહ્યું છે છતાં પપ્પા મને સપોર્ટ આપી રહ્યા છે. ભગવાન ખાતરી કરે છે કે જે લોકો સખત મહેનત કરે છે તેઓ ક્યારેય નિષ્ફળ ન જાય. આપણે જે પરિણામો જોઈ રહ્યાં છીએ અને જે સફળતા મેળવી રહ્યા છીએ એ મારાં મમ્મી-પપ્પાને લીધે છે.’


