હોમ ટીમ લખનઉએ છ વિકેટ ગુમાવીને બનાવ્યા ૧૫૯ રન, દિલ્હીએ ૧૩ બૉલ પહેલાં ૧૬૧ રન ફટકારીને ૮ વિકેટે જીત મેળવી. જૂની ટીમ સામે પહેલી ટક્કરમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો કે. એલ. રાહુલ, લખનઉનો કૅપ્ટન રિષભ પંત ફરી પોતાની જૂની ટીમ સામે ફ્લૉપ રહ્યો.
કૅપ્ટન રિષભ પંત, અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર મુકેશ શર્મા
IPL 2025ની ૪૦મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે એકાના સ્ટેડિયમમાં હોમ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૮ વિકેટે જીત નોંધાવી હતી. હોમ ટીમ લખનઉએ છ વિકેટ ગુમાવીને સીઝનનો પોતાનો લોએસ્ટ ૧૫૯ રનનો સ્કોર કર્યો હતો. દિલ્હીએ કે. એલ. રાહુલ અને અભિષેક પોરેલની ફિફ્ટીની મદદથી માત્ર બે વિકેટના નુકસાન સાથે ૧૬૧ રન ફટકારીને ૧૩ બૉલ પહેલાં જીત નોંધાવી હતી. ૨૦૨૩ બાદ દિલ્હીની લખનઉ સામે આ સળંગ ચોથી જીત છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ માટે ઊતરનાર લખનઉના ઓપનર્સે ટીમને ધીમી અને સાધારણ શરૂઆત અપાવી હતી. મિચલ માર્શ (૩૬ બૉલમાં ૪૫ રન) અને એઇડન માર્કરમ (૩૩ બૉલમાં બાવન રન) બન્નેએ પહેલી વિકેટ માટે ૧૦ ઓવરમાં ૮૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ૧૦થી ૧૪મી ઓવરમાં ૨૩ રનની અંદર ચાર વિકેટ લઈને દિલ્હીએ લખનઉની રનની ગતિ પર બ્રેક લગાવી દીધી હતી. ફિનિશર ડેવિડ મિલરે (૧૫ બૉલમાં ૧૪ રન અણનમ) ઇમ્પૅક્ટ પ્લેયર આયુષ બદોની (૨૧ બૉલમાં ૩૬ રન) સાથે પાંચમી વિકેટ માટે ૪૯ રનની ભાગીદારી કરી હતી.
ધીમી બૅટિંગના કારણે પૅવિલિયનમાં નિરાશ દેખાતો કૅપ્ટન રિષભ પંત (બે બૉલમાં શૂન્ય રન) આ ટુર્નામેન્ટમાં ૨૦૧૬ બાદ પહેલી વાર સાતમા ક્રમે બૅટિંગ કરવા ઊતર્યો હતો, પણ ૨૦મી ઓવરમાં ફાસ્ટ બોલર મુકેશ કુમારની ઓવરમાં તે આયુષ બદોનીની જેમ બોલ્ડ થયો હતો. IPLમાં પોતાની બેસ્ટ બોલિંગ સ્પેલ ફેંકનાર મુકેશ કુમાર (૩૩ રનમાં ચાર વિકેટ) સિવાય દિલ્હી માટે ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક અને દુષ્મન્તા ચમીરાને એક-એક સફળતા મળી હતી.
દિલ્હીના યંગ ઓપનર અભિષેક પોરેલે (૩૬ બૉલમાં ૫૧ રન) સાથી ઓપનર કરુણ નાયર (નવ બૉલમાં ૧૫ રન) સાથે ૩૬ રનની ઓપનિંગ અને કે. એલ. રાહુલ (૪૨ બૉલમાં ૫૭ રન અણનમ) સાથે બીજી વિકેટ માટે ૬૯ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. કૅપ્ટન અક્ષર પટેલ (૨૦ બૉલમાં ૩૪ રન અણનમ) સાથે કે. એલ. રાહુલે ૫૬ રનની ભાગીદારી કરીને ટીમને ફરી જીતના ટ્રૅક પર વાપસી કરાવી આપી હતી. કે. એલ. રાહુલે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની જૂની ટીમ સામે પહેલી જ ટક્કરમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. લખનઉ માટે સ્પિનર એઇડન માર્કરમ (૩૦ રનમાં બે વિકેટ) જ વિકેટ લઈ શક્યો હતો.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૮ |
૬ |
૨ |
+૧.૧૦૪ |
૧૨ |
દિલ્હી |
૮ |
૬ |
૨ |
+૦.૬૫૭ |
૧૨ |
બૅન્ગલોર |
૮ |
૫ |
૩ |
+૦.૪૭૨ |
૧૦ |
પંજાબ |
૮ |
૫ |
૩ |
+૦.૧૭૭ |
૧૦ |
લખનઉ |
૯ |
૫ |
૪ |
-૦.૦૫૪ |
૧૦ |
મુંબઈ |
૮ |
૪ |
૪ |
+૦.૪૮૩ |
૮ |
કલકત્તા |
૮ |
૩ |
૫ |
+૦.૨૧૨ |
૬ |
રાજસ્થાન |
૮ |
૨ |
૬ |
-૦.૬૩૩ |
૪ |
હૈદરાબાદ |
૭ |
૨ |
૫ |
-૧.૨૧૭ |
૪ |
ચેન્નઈ |
૮ |
૨ |
૬ |
-૧.૩૯૨ |
૪ |
ADVERTISEMENT
લખનઉનો કૅપ્ટન રિષભ પંત વર્તમાન સીઝનમાં દિલ્હી સામે બીજી વાર ઝીરોમાં આઉટ થયો. IPL મૅચમાં પહેલી વાર ચાર વિકેટ લીધી દિલ્હીના ફાસ્ટ બોલર મુકેશ શર્માએ. T20 કરીઅરમાં પહેલી વાર સાત ઓવરની અંદર પોતાની ચારેચાર ઓવર પૂરી કરી દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે.

