એક ટીમ માટે ૨૫૦ IPL મૅચ રમનાર પ્રથમ ક્રિકેટર બન્યો વિરાટ કોહલી: સૌથી વધુ ૧૮ વાર ડક પર આઉટ થનાર ખેલાડી બની ગયો દિનેશ કાર્તિક
IPL 2024
મૅચ દમ્યાન મસ્તી કરતા વિરાટ કોહલી ‘ચીકુ’ અને ઈશાન શર્મા ‘લમ્બુ’.
રવિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૨મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ સામે ૪૭ રનથી જીત મેળવીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ પ્લેઑફની આશા જીવંત રાખી હતી. વિલ જૅક્સ (૪૧ રન) અને રજત પાટીદાર (૫૨ રન)ની ધમાદેકાર ઇનિંગ્સની મદદથી બૅન્ગલોરે ૧૮૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કૅપ્ટન અક્ષર પટેલની ૫૭ રનની ઇનિંગ્સ છતાં દિલ્હીની ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
બૅટિંગ-યુનિટના શાનદાર પ્રદર્શનને કારણે બૅન્ગલોરની ટીમે સીઝનમાં સતત પાંચમી જીત નોંધાવીને ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં ૨૦૦૯ અને ૨૦૧૬માં સતત પાંચ મૅચ જીતીને આ ટીમ પ્લેઑફમાં પહોંચી ગઈ હતી અને રનરઅપ પણ બની હતી. જ્યારે ૨૦૧૧માં સતત ૭ મૅચ જીતીને વિરાટ ઍન્ડ કંપની રનરઅપ રહી હતી. ૨૦૧૦ અને ૨૦૨૧માં સતત ૪ મૅચ જીત્યા બાદ બૅન્ગલોરની ટીમ પ્લેઑફમાં પહોંચી ગઈ હતી. આ સમીકરણને જોતાં બૅન્ગલોરના ફૅન્સ ૧૮ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતવાની આશા રાખશે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (૧૪ પૉઇન્ટ્સ) અને લખનઉ સુપર જાયન્ટ્સ (૧૨ પૉઇન્ટ્સ) પોતાની આગામી બન્ને મૅચ હારે એવી પ્રાર્થના કરશે. ચેન્નઈ (૧૪ પૉઇન્ટ્સ) સામેની મૅચમાં બૅન્ગલોર (૧૨ પૉઇન્ટ્સ) ૧૮ રનથી જીતશે કે ૧૮.૧ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરશે તો તે ચેન્નઈના +૦.૫૨૮ના રન-રેટના આંકડાથી આગળ નીકળી શકશે. વિરાટ ઍન્ડ કંપનીનો હાલમાં નેટ રન-રેટ +૦.૩૮૭ છે.
બૅન્ગલોરનો વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિક ઝીરોમાં ખલીલ અહમદની ઓવરમાં કુલદીપ યાદવના હાથે કૅચઆઉટ થયો હતો. એ સાથે જ તે IPL ઇતિહાસમાં સૌથી વધારે ૧૮ વખત ડક પર આઉટ થનાર ખેલાડી બન્યો હતો. ૧૭ ડક સાથે ગ્લેન મૅક્સવેલ અને રોહિત શર્મા આ લિસ્ટમાં બીજા ક્રમે છે.
ADVERTISEMENT
આ મૅચમાં ૩ સિક્સર અને ૧ ચોગ્ગા સાથે ૨૭ રન કરનાર વિરાટ કોહલી ૨૫૦ IPL મૅચ રમનાર ચોથો ખેલાડી બન્યો હતો, પરતું તે એક ટીમ માટે ૨૫૦ IPL મૅચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ૨૦૦૮થી બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયેલા વિરાટ કોહલીએ ૧૭ સીઝનમાં ૮ સેન્ચુરીની મદદથી ૭૯૨૪ રન કર્યા છે. વર્તમાન સીઝનમાં તે ૧૩ મૅચમાં ૬૬૧ રન સાથે ઑરેન્જ કૅપ હોલ્ડર છે, પરતું તેનું IPL ટ્રોફી જીતવાનું સપનું છેલ્લી ૧૬ સીઝનથી અધૂરું રહ્યું છે.