સીઝનની પ્રથમ ટક્કરમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૬૩ રનથી મેળવી હતી જીત
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નહેરાએ ચેન્નઈના ખેલાડીઓને આપી જાદુ કી જપ્પી.
આજની મૅચ : ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નઈ સુપર કિંગ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, અમદાવાદ
આવતી કાલની મૅચ : કોલકાતા નાઇટ રાઇડર્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, કલકત્તા
અમદાવાદના દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૫૯મી મૅચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગયા સીઝનની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ અને રનર-અપ ટીમ ગુજરાત એકબીજા સામે ૩-૩ મૅચ જીતી ચૂકી છે. આજે જે ટીમ જીતશે એ હેડ ટુ હેડ રેકૉર્ડમાં લીડ મેળવશે. IPL 2024ની પ્રથમ ટક્કરમાં ચેન્નઈએ પોતાના હોમગ્રાઉન્ડ પર ગુજરાતને ૬૩ રનથી હરાવ્યું હતું.
ઈજાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને કારણે બંગલાદેશના મુસ્તફિઝુર રહેમાન અને શ્રીલંકાના મથીશા પિથરાણાની ગેરહાજરી હોવા છતાં ચેન્નઈ આજે ગુજરાતને હરાવીને પ્લેઑફ માટેના તેમના દાવાને મજબૂત કરવા પર ધ્યાન આપશે. ચેન્નઈના ૧૧ મૅચમાં ૧૨ પૉઇન્ટ્સ છે અને ગુજરાત સામેની જીત તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે પ્લેઑફમાં તેમનું સ્થાન હજી પણ નિશ્ચિત નથી અને હાર તેમને ભારે પડી શકે છે. ઈજાને કારણે દીપક ચાહરના રમવા પર સસ્પેન્સ છે, એથી આક્રમક બોલિંગની જવાબદારી શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, મિશેલ સૅન્ટનર અને મોઇન અલી પર રહેશે. ૫૪૧ રન સાથે કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઑરેન્જ કૅપની રેસમાં બીજા ક્રમે છે.
ADVERTISEMENT
છેલ્લી પાંચમાંથી માત્ર એક મૅચ જીતનારી ગુજરાતની ટીમનું મનોબળ સંપૂર્ણ રીતે ઘટી ગયું છે. ૧૧ મૅચમાં ૮ પૉઇન્ટ સાથે ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં અંતિમ સ્થાન પર છે ત્યારે પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થયેલી ગુજરાતની ટીમ જીત સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ટાર્ગેટ રાખશે. સાઈ સુદર્શન, શાહરુખ ખાન અને ડેવિડ મિલર અપેક્ષા અનુસારનું પ્રદર્શન નથી કરી રહ્યા. ગયા વર્ષે ઑરેન્જ કૅપહોલ્ડર રહેલા શુભમન ગિલનો છેલ્લી પાંચ મૅચમાં સર્વોચ્ચ સ્કોર ૩૫ રન રહ્યો છે. બોલરોમાં મોહિત શર્મા અને જોશ લિટલ મોંઘા સાબિત થયા છે. અફઘાનિસ્તાનના સ્પિનર્સ રાશિદ ખાન અને નૂર અહમદ પણ અસરકારક સાબિત થઈ શક્યા નથી.

